અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) એ વધુ એક વિવાદિત નિર્ણય લેતાં શહેરના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. AMC એ રખડતા ઢોર અને ગેરકાયદેસર દબાણ હટાવવા જેવા સંવેદનશીલ મુદ્દાઓ પર દેખરેખ અને કાર્યવાહી માટે એક પૂર્વ આર્મી કર્નલની નિમણૂક કરવાનો નિર્ણય લીધો છે, જેમનો માસિક પગાર રૂપિયા 1 લાખ નક્કી કરવામાં આવ્યો છે. AMC આ કર્નલની નિમણૂક CNCD (Cattle Nuisance Control Department) અને એસ્ટેટ વિભાગમાં કરશે. આ નિમણૂકને લઈને અનેક સવાલો ઉભા થયા છે કે શું દબાણ હટાવવા માટે આર્મીના ઉચ્ચ અધિકારીની જરૂર છે? સામાન્ય રીતે AMC દબાણ હટાવવા માટે બાઉન્સર રાખતી હોય છે, ત્યારે હવે તેમના પર મોનીટરીંગ કરવા માટે રૂપિયા 1 લાખનો 'ધુમાડો' કરવામાં આવશે. AMC દ્વારા જે પૂર્વ આર્મી કર્નલની નિમણૂક કરવામાં આવશે, તેમને CNCD અને એસ્ટેટ વિભાગમાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરી પર સઘન દેખરેખ રાખવાની જવાબદારી સોંપવામાં આવશે.
ર્વ આર્મી કર્નલને રૂપિયા 1 લાખના પગારે નિમણૂક
સૌથી મહત્ત્વની વાત એ છે કે, કઈ કાર્યવાહી કરવી અને કેવી રીતે કરવી તેનો અંતિમ નિર્ણય લેવાની સત્તા પણ આ એક્સ-આર્મીમેનને આપવામાં આવશે. આનાથી સ્પષ્ટ થાય છે કે AMC દબાણ અને રખડતા ઢોરના મુદ્દે વર્તમાન અધિકારીઓની કામગીરીથી સંતુષ્ટ નથી. આ કર્નલ દબાણ અને ઢોર નિયંત્રણની કાર્યવાહીમાં પોલીસની જેમ કડક વલણ અપનાવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. AMC ના આ નિર્ણયથી વહીવટી કાર્યક્ષમતા પર ગંભીર સવાલો ઊભા થયા છે. વિપક્ષનો આક્ષેપ છે કે AMC પોતાના અધિકારીઓ અને સ્ટાફ પાસેથી કામ કરાવી શકતી નથી, તેથી બહારના વ્યક્તિને ઊંચા પગારે લાવવામાં આવી રહ્યા છે. જ્યારે CNCD અને એસ્ટેટ વિભાગમાં અગાઉથી જ અધિકારીઓ અને સ્ટાફની એક મોટી ટીમ કાર્યરત છે, ત્યારે તેમના પર મોનીટરીંગ માટે રૂપિયા 1 લાખનો પગાર ચૂકવવો કેટલો વ્યાજબી છે? આ નિમણૂકથી એવો સંકેત મળે છે કે AMCનો આંતરિક વહીવટ આ બે મુખ્ય સમસ્યાઓનો સામનો કરવામાં નિષ્ફળ સાબિત થયો છે, અને હવે સૈન્ય શૈલીનું નિયંત્રણ લાદવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.









