રોજબરોજના જીવનની વિવિધ વસ્તુઓ અને સેવાઓ પરના GST દરોમાં ધરખમ ઘટાડો કરવા બદલ વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય નાણામંત્રી નીર્મલા સીતારમણનો ગુજરાતની જનતા વતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાને સ્વાતંત્ર્ય દિવસના તેમના સંબોધનમાં લાલ કિલ્લા પરથી #NextGenGST લાવીને નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવાનું અને અર્થતંત્રને વધુ વેગવંતુ બનાવવાનું વચન આપ્યું હતું. GST દરોમાં ઘટાડા દ્વારા તેમણે આ વચન થોડાક જ દિવસમાં પૂરુ કરીને દેશવાસીઓને સુખમય જીવનની સોગાત આપી છે.
ગુજરાતનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે
તેમણે કહ્યું હતું કે,આ સીમાચિહ્નરૂપ રિફોર્મ્સથી કરોડો મધ્યમ વર્ગના પરિવારો, ખેડૂતો, નાના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોને ફાયદો થશે. નાગરિકોનું રોજિંદુ જીવન વધુ સરળ બનશે અને ભારતના અર્થતંત્રને નવી ગતિ અને ઊર્જા મળશે. નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકાર દ્વારા યોજાયેલી ૫૬મી જીએસટી કાઉન્સિલમાં ખેડૂતો, સમાન્ય નાગરિકો તથા નાના અને મધ્યમ ઉદ્યોગકારોના હિતમાં વિવિધ માળખાગત સુધારા, વેરાના દરમાં સુધારા અને ઇઝ ઓફ લિવીંગ એમ મુખ્ય ત્રણ બાબતો અંગે ભલામણ કરવામાં આવી હતી. વેરાના દરમાં સુધારા થવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતનું અર્થતંત્ર વધુ મજબૂત બનશે.









