દિલ્હીમાં બનેલી અગ્નિકાંડની ગંભીર ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર વિભાગ દ્વારા મોટો એક્શન પ્લાન શરૂ કરવામાં આવ્યો છે.ફાયર બ્રિગેડની ટીમો દ્વારા શહેરની વિવિધ હોટલોમાં અચાનક જ સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.આ તપાસ દરમિયાન હોટલોમાં ફાયર સેફ્ટીની સિસ્ટમ, ફાયર NOC અને ઈમરજન્સી એક્ઝિટની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી. જેમાં મોટાપાયે બેદરકારી અને ખામીઓ સામે આવતા તંત્ર દ્વારા કુલ 37 હોટલોને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે.આ સઘન ઝુંબેશ અંતર્ગત શહેરના અલગ-અલગ વિસ્તારોમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.જેમાં સૌથી વધુ સાઉથ ઝોનની 12 હોટલોને ફાયર સેફ્ટીના નિયમોના ઉલ્લંઘન બદલ નોટિસ આપવામાં આવી છે.
ફાયર સેફ્ટીમાં ખામીઓ બદલ 37 નોટિસ
આ ઉપરાંત સેન્ટ્રલ ઝોનમાં 9,વેસ્ટ ઝોનમાં 6, નોર્થ-વેસ્ટ ઝોનમાં 5 અને સાઉથ-વેસ્ટ ઝોનની 4 હોટલો સામે લાલ આંખ કરીને નોટિસ બજાવવામાં આવી છે.ફાયર વિભાગની આ આકરી કાર્યવાહીથી હોટલ સંચાલકોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. એમ.સી.ફાયર વિભાગના સત્તાધીશોના જણાવ્યા અનુસાર,નાગરિકોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારના ચેડાં ચલાવી લેવામાં નહીં આવે.હોટલોમાં આગ જેવી દુર્ઘટના સમયે લોકોના જીવ બચાવી શકાય તે માટે ફાયર સિસ્ટમ હંમેશા કાર્યરત હોવી અનિવાર્ય છે.તંત્ર દ્વારા સ્પષ્ટ ચીમકી આપવામાં આવી છે કે, આગામી દિવસોમાં આ ફાયર સેફ્ટી ચેકિંગનું અભિયાન હજુ વધુ સઘન અને વ્યાપક બનાવવામાં આવશે અને નિયમોનું પાલન ન કરનારાઓ સામે સીલિંગ સહિતના કડક પગલાં લેવાશે.









