ઉત્તર ભારત તરફથી આવતા ઠંડા પવનોને કારણે સમગ્ર ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળ્યું છે. આ અંગે ખગોળશાસ્ત્રી દિવ્ય દર્શન પુરોહિતે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું છે કે, હાલમાં અફઘાનિસ્તાન અને ભૂમધ્ય સાગર પરથી પવનો અને વાદળો આવી રહ્યા છે, જે શિયાળુ ખેતી માટે અત્યંત જરૂરી છે. જોકે, ઠંડા પવનનો ભાર વધતા વાતાવરણમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યું છે અને પ્રદૂષિત હવા ઉપર ન જઈ શકવાને કારણે સપાટી પર જ રહી જાય છે. ક્લાઈમેટ ચેન્જને કારણે પ્રકૃતિનું સંતુલન ખોરવાયું છે, જેના પરિણામે પ્રદૂષણ રોકવામાં આવે તો પણ કુદરતી બેલેન્સ મેળવતા ૧૦૦ વર્ષ જેટલો સમય લાગી શકે છે.
૧૫ ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ શકે
આગામી ઋતુચક્ર અંગે આગાહી કરતા તેમણે જણાવ્યું કે, આ વર્ષે ઉનાળો વહેલો શરૂ થશે. ૧૫ ફેબ્રુઆરીથી ગરમીની શરૂઆત થઈ શકે છે અને આ વર્ષે ઉનાળો અંદાજે ૮ થી ૯ મહિના સુધી ચાલે તેવી શક્યતા છે, જેમાં અતિશય ગરમી જોવા મળી શકે છે. વધુમાં, તેમણે ચોમાસા અંગે ચિંતાજનક સંકેત આપતા કહ્યું કે, આ વર્ષે વરસાદ પૂર લાવે તેવી સંભાવના છે. આમ, બદલાતા હવામાનને કારણે આગામી સમયમાં લોકોએ કાળઝાળ ગરમી અને ભારે વરસાદ જેવી કુદરતી આફતોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.









