ડાંગ જિલ્લામાં ચોમાસુ જામ્યું છે. ડાંગ જિલ્લામાં ચોમાસાની સિઝનમાં આહલાદક વાતાવરણ સર્જાયું છે. આજે સવારે છ થી બપોરે 2 દરમિયાન વરસાદનું ભારે જોર રહ્યું. ધોધમાર વરસાદને પગલે ડાંગમાં આવેલ ખાપરી, અંબિકા , પૂર્ણાં અને ગીરા નદીઓ બે કાંઠે વહેતી થઈ. ત્યારે આ સિઝનમાં ખાસ કરીને પ્રવાસીઓ ગીરા ધોધના ધસમસતા પાણી પ્રવાહનો અદ્ભૂત નજારો જોવા ઉમટી પડી છે. ધોધની આસપાસ લીલી ચાદર છવાય છે. અને લીલોતરી વચ્ચે વહેતો સફેદ પાણીનો ધોધનું દ્રશ્ય લોકોને મંત્રમુગ્ધ કરે છે.
કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું
ચોમાસાની સિઝનમાં ડાંગમાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલતા પ્રવાસીઓની ભારે ભીડ જામે છે. ખાસ કરીને લોકો વીક એન્ડમાં એટલે કે શનિ અને રવિવારની રજાના દિવસોમાં ડાંગની મુલાકાત લેતા હોય છે. વરસાદના આગમનથી સાપુતારામાં પણ પ્રવાસીઓનો મેળાવડો જોવા મળ્યો છે ગુજરાતમાં સૌથી ઊંચાઇ પરથી પડતો ગીરમાળ ધોધ ચોમાસામાં સોળેકળાએ ખીલી ઉઠે છે.
પ્રકૃતિ પ્રેમીઓ ડાંગના પ્રવાસે
પ્રકૃતિપ્રેમીઓ આ સિઝનમાં પ્રવાસી બને ડાંગના નજારોનો આહ્લાદક આનંદ માણી રહ્યા છે. પ્રવાસીઓને આ નયનરમ્ય નજારો જોઈ મંત્ર મુગ્ધ બન્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર ભારે વરસાદ થતા 201 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ નોંધાયો. જ્યારે આહવામાં 3.21 ઇંચ, સાપુતારામાં 1.71 ઇંચ, વઘઈમાં 2.94 ઇંચ અને સુબીરમાં 1.59 ઇંચ વરસાદ નોંધાયો.









