અમરેલી જિલ્લામાં ભૂકંપના આંચકા વારંવાર આવી રહ્યાં છે.ધરતીમાં ધૃજારી આવતા લોકોમાં ભય ફેલાયો છે. બે દિવસ અગાઉ સાવરકુંડલાના મીતીયાળા પંથકમાં ચાર કલાકમાં સાત વખત ધરતીમાં ધ્રુજારી આવી હતી.રાતથી લઈને સવારે આઠ વાગ્યા સુધીમાં સાત જેટલા આંચકા નોંધાયા હતાં. ગાંધીનગર સિસમોલોજી વિભાગે પુષ્ટિ આપી હતી. આજે સતત ત્રીજા દિવસે અમરેલીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.
મોડી રાત્રે 2.25 વાગ્યે 3.5ની તીવ્રતાનો આંચકો આવ્યો
અમરેલીના રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં ગઈકાલે મોડી રાત્રે 2.25 વાગ્યે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવા નોંધાયું હતું. રાજુલા, પીપાવાવ, ખાંભા અને સાવરકુંડલામાં અસર થઈ હતી. આ ઉપરાંત મહુવામાં પણ ભૂકંપની અસર થઈ હતી.રાજુલામાં કેટલાક મકાનોમાં તિરાડો પડી હતી. અડધી રાત્રે આવેલા ભૂકંપના સીસીટીવી પણ સામે આવ્યા છે. મહુવામાં પણ રાત્રે 2.24 કલાકે ભૂકંપનો આંચકો નોંધાયો હતો. જેનું કેન્દ્રબિંદુ મહુવાથી 32 કિ.મી દૂર નોંધાયું હતું. ભૂકંપ આવતા અડધી રાત્રે લોકોના મોબાઈલ ફોન રણકવા લાગ્યા હતાં. ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે પણ આ ભૂકંપનું કેન્દ્રબિંદુ મહુવા હોવાની પુષ્ટી કરી હતી.









