અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો. અત્યારે ખેડૂતો માટે પાક ઉતારવાની સિઝન છે ત્યાં કમોસમી વરસાદથી તેમના મોઢા આવેલ કોળિયો છીનવાઈ ગયો. જિલ્લામાં પડેલા કમોસમી વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે. માવઠાના મારથી જગતના તાતને રોવાના દિવસો આવ્યા છે. વરસાદી પાણી ભરાઈ જતા ખેતરો બેટમાં ફેરવાયા. વરસાદી પાણી ભરાતા પાકને મોટું નુકસાન થયું. પાક ટાઈમે પડેલા માવઠાના મારથી ખેડૂતોની હાલત વધુ કફોડી થઈ.
કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ
અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં પણ કમોસમી વરસાદના કારણે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. તૈયાર પાક ઉપર પડેલા કમોસમી વરસાદના કારણે લાઠી તાલુકાના ખેતરો પાણીથી તરબોળ કરી નાખ્યા હતા. તારીખ 25,અને 26 ઓક્ટોમ્બર બે દિવસ પડેલા માવઠાએ ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે. સતત રાત દિવસ પડેલા કમોસમી વરસાદના કારણે કપાસ,મગફળી સોયાબીન વગેરે પાકો બગડી ગયા છે અને ખેડૂતોને મોઢે આવેલો કોળિયો છીનવાય ગયો છે, સતત પડેલા વરસાદથી ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા હતા કપાસમાં આવેલા પાક ઉપર વરસાદ પડવાથી ઊભો પાક પાણીમાં પડી ગયો હતો, તો મગફળી પણ પાણી પડવાના કારણે સડી ગઈ છે, પશુઓ માટેનો મગફળીમાંથી નીકળતો પાલો પણ માત્ર બે દિવસમાં સડી ગયો છે જેના કારણે ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.
ખેડૂતોએ સહાયની કરી માગ
કમોસમી વરસાદને લઈ ખેડૂતોને થયેલા નુકશાની સમીક્ષા કરવા લાઠી બાબરાના ધારાસભ્ય જનક તળાવિયા આજે પોતાના મતવિસ્તારમાં પ્રવાસ ખેડી રહ્યા છે, તેઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં માવઠાનો ભોગ બનેલા કોઈપણ ખેડૂત બાકી ના રહે અને તમને વળતર મળે તેવી સરકારને રજૂઆત સાથે વિનંતી કરી છે... ત્યારે કેરાળા ગામના ખેડૂતોએ પણ કેમેરા સામે પોતાની વ્યથા ઠાલવતા સરકાર પાસે તાત્કાલિક સર્વેકરી રાહત પેકેજની માંગ કરી છે. જો ખેડૂતોને સરકાર તરફથી સહાય મળશે તો તેઓ બચેલા પાકની સારી રીતે માવજત કરી શકશે. વારંવાર કસમયે આવતા વરસાદના કારણે ખેડૂતો માટે ખેતી એક પડકાર બની છે.









