અમરેલીમાં કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો. રાજુલા તાલુકાના રામપરા ગામે બીજા દિવસે પણ ગામમાંથી પાણી ઓસર્યા નથી. વરસાદી પાણીનો નિકાલ ના થતા ગ્રામજનોને પારાવારની મુશ્કેલી પડી રહી છે. દર વર્ષે ચોમાસાની સિઝનમાં અહીંયા બે થી અઢી ફૂટ પાણી રસ્તા ઉપર આવી જાય છે ઘરમાં ઘૂસી જાય છે. ત્યારે અત્યારે ચોમાસાની સિઝન ના હોવા છતા ધોધામાર વરસાદના કારણે ફરી પાણી ભરાતા લોકોના રોજિંદા કાર્યોમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. ગ્રામજનો દ્વારા આ સમસ્યાનો કાયમી ઉકેલ આવી તેવી માગ કરી રહ્યા છે.
રાજ્ય સરકાર એકશનમાં
કમોસમી માવઠાના મારથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે. કમોસમી વરસાદી આફતથી ખેડૂતોને મોટું નુકસાન થતા રાજ્ય સરકાર એકશનમાં આવી. અમરેલીમાં અસરગ્રત વિસ્તારની મંત્રી કૌશિક વેકરિયાએ મુલાકાત કરી હતી. રાજુલા તાલુકાના અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા ત્યાં ખેડૂતોએ નુકસાની બાબતની રજૂઆત કરી. પાણી ભરાતા વિસ્તારોમાં કાયમી ઉકેલની રજૂઆત કરતા શક્ય તેટલી મદદની મંત્રી કૌશિક વેકરિયા દ્વારા ખાતરી આપવામાં આવી. અમરેલી ઉપરાંત અરવલ્લીના મેધરજમાં કમોસમી વરસાદથી પાણી ભરાઈ ગયા છે. લીંભોઈ ગામના માર્ગે પાણી ભરાતા રાહદારીઓને હાલાકી.
હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં એક બાજુ કમોસમી વરસાદનો કહેર વરસી રહ્યો છે. ત્યારે અરબી સમુદ્રમાં ડિપ સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી 7 દિવસ સુધી કમોસમી વરસાદ (માવઠા)ની આગાહી કરવામાં આવી છે. અરબ સાગરમાં સક્રિય થયેલા ડિપ્રેશન તેમજ મોન્સૂન ટ્રફ અને સાયક્લોનિક સર્ક્યુલેશનની સંયુક્ત અસરને કારણે રાજ્યમાં આ વરસાદી માહોલ સર્જાયો છે. મોન્થા વાવાઝોડાના કારણે અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ થતા ગુજરાત પર અસર પ્રવર્તી રહી છે. ગુજરાતમાં 31 ઓક્ટોબર સુધી વરસાદનું એલર્ટ જારી કરાયું છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે.









