બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાન દાદાના ધામ ખાતે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા હનુમાન દાદાની મૂર્તિ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા સહિતનો ટ્રેડમાર્ક મંજૂર કરાવવામાં આવ્યો છે.ત્યારે ભગવાનની પ્રતિમાઓના ટ્રેડમાર્કના મુદ્દાને લઈ સમગ્ર ગુજરાતમાં વિવાદ ઉભો થયો છે અને આ વિવાદમાં બ્રહ્મ સમાજ પણ મેદાને આવ્યો છે.આજે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્ય કક્ષા દ્વારા એક સન્માન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે સન્માન કાર્યક્રમમાં ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના પ્રમુખ સહિતના હોદ્દેદારો પાલનપુર ખાતે ઉપસ્થિત રહ્યા હતા.આ સન્માન કાર્યક્રમમાં પણ સાળંગપુર ટ્રેડમાર્કનો મુદ્દો ચર્ચામાં આવ્યો અને સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાત રાજ્યકક્ષા દ્વારા એક ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.
બ્રહ્મ સમાજ દ્વારા માંગ ઉચ્ચારવામાં આવી
સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા પીછે હટ કરી આ ટ્રેડમાર્ક રદ કરવામાં આવે તેવી બ્રહ્મ સમાજ દ્વારા માંગ ઉચ્ચારવામાં આવી છે.જો આ ટ્રેડમાર્ક આગામી દિવસોમાં રદ કરવામાં નહીં આવે તો બ્રહ્મ સમાજ દ્વારા જિલ્લા કક્ષાએથી લઈ ગામડાઓ સુધી લડત લડવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.પાલનપુર ધારાસભ્ય અનિકેત ઠાકરએ પણ આ ટ્રેડમાર્કના મુદ્દાને વખોડ્યો છે અને ભગવાન હનુમાનજીની મૂર્તિનો ટ્રેડમાર્ક ન હોય ત્યારે આ બ્રહ્મ સમાજના ઠરાવને સમજવા ધારાસભ્ય પણ લોકોને આહવાન કર્યું છે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષાના આગેવાનોનું કહેવું છે કે સનાતન ધર્મમાં ભગવાનની મૂર્તિનો કોઈ ટ્રેડમાર્ક હોતો નથી.કષ્ટભંજન હનુમાન દાદ નું નામ એ ભગવાનના 1008 નામો પૈકી છે.









