ભાવનગર જિલ્લાનો શેત્રુંજી ડેમ ગઈકાલે સાંજે સંપૂર્ણ ભરાઈ ગયો હતો. શેત્રુંજી ડેમ ભરાતા પાલીતાણા તથા તળાજા તાલુકાના અસરગ્રસ્ત ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા હતા. છેલ્લા થોડા દિવસથી અમરેલી તથા ભાવનગર જિલ્લામાં તેમજ પાલીતાણા અને તળાજા તાલુકાના ગામડાઓમાં વરસાદ વરસતો હોય શેત્રુંજી ડેમમાં પાણીની સારી આવક થતા શેત્રુંજી ડેમ ભરાઈ ગયો હતો.પાલીતાણા તાલુકાના અસરગ્રસ્ત ગામો નાની રાજસ્થળી, લાપાળીયા, લાખાવાડ, માયધાર અને મેઢા તેમજ તળાજા તાલુકાના ભેગાળી, દાત્રડ, પિંગળી, ટીમાણા, સેવાળીયા, રોયલ, માખણીયા, તળાજા, ગોરખી, લીલીવાવ, તરસરા અને સરતાનપરને એલર્ટ જાહેર કરવામાં આવ્યા હતા.


[[$googlead]]

મેઘરાજાએ ફરી એકવાર ધોધમાર બેટિંગ શરૂ કરી

ભાવનગર શહેરમાં દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરી એકવાર ધોધમાર બેટિંગ શરૂ કરી છે. જેના કારણે ખારગેટ અને ઘોઘાગેટ જેવા નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. જોકે, આ વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને લાંબા સમયથી સતાવતી ગરમી અને બફારામાંથી મોટી રાહત મળી છે. બીજી તરફ, ભાવનગરના ગારીયાધારમાં સ્થિતિ ગંભીર બની છે, જ્યાં ભારે વરસાદને કારણે રાણીગામથી જેસરને જોડતો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે. રાણીગામ પાસે આવેલું એક નાળું પૂરમાં તૂટી જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે. નજીકમાં વહેતી શેત્રુંજી નદીના પાણી ફરી વળતા રાણીગામ ચારેબાજુથી પાણીથી ઘેરાઈ ગયું છે. હાલમાં સ્થાનિક તંત્ર દ્વારા JCB મશીનનો ઉપયોગ કરીને તાત્કાલિક ધોરણે રિપેરિંગની કામગીરી હાથ ધરવામાં આવી છે અને લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.


[[$alsoread]]
  • Follow us on: