છોટાઉદેપુરમાં ચોમાસામાં ભારે વરસાદનું જોર જોવા મળ્યું. ધોધમાર વરસાદના કારણે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ. આ વિસ્તારના લોકોને હવે સિંચાઇ અને પીવાના પાણીની સમસ્યા દૂર થશે. ઓરસંગ નદીમાં પાણીના સ્તરમાં વધારો થતા આ વિસ્તારના ગ્રામજનોમાં ખુશી જોવા મળી. ઉપરવાસમાં ભારે વરસાદથી ઓરસંગ નદી જીવંત બની. ઓરસંગ નદીનો આ અદ્ભૂત નજારો જોવા લોકો ઉમટી પડયા.
ઓરસંગ નદીમાં આવ્યું ઘોડાપૂર
આ વર્ષે રાજ્યભરમાં ચોમાસાની સિઝનનો સારો વરસાદ વરસી રહ્યો છે. જો વાત કરવામાં આવે તો છોટાઉદેપુર જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે ઓરસંગ નદીમાં ભારે આવક જોવા મળી રહી છે. બોડેલી નજીક પસાર થતી ઓરસંગ નદીમાં ઘોડાપૂર આવતા મોટી સંખ્યામાં લોકો આ દ્રશ્ય જોવા ઉમટી પડ્યા હતાં. કારણ કે આ વિસ્તારના લોકો ઉનાળામાં પીવાના પાણી અને સિંચાઈના પાણીને લઈને ભારે મુશ્કેલીનો સામનો કરતા હોય છે. ત્યારે જિલ્લાની જીવા દોરી સમાન એવી ઓરસંગ નદી બે કાંઠે વહેતી થતા છોટાઉદેપુર જિલ્લાના લોકો અને ખાસ કરીને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
ખેડૂતોની સિંચાઈની સમસ્યા દૂર થઈ
ઓરસંગ નદીમાં પાણીની આવક વધતા ખેડૂતોને આશા છે કે આ વર્ષે તેમને સિંચાઈના પાણીની સમસ્યાનો સામનો કરવો નહીં પડે. અને તેઓ પાકની સારી રીતે વાવણી અને ઉત્પાદન કરી શકશે. છોટાઉદેપુર જિલ્લામાં મધ્યપ્રદેશ સહિત ઉપરવાસમાં પણ ધોધમાર વરસાદના પગલે નદી-નાળાઓ છલકાઈ રહ્યા છે. છોટાઉદેપુરમાં એકબાજુ વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છે ત્ચારે બીજી બાજુ હાઈવેના રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે.









