છેલ્લા બે ત્રણ દિવસથી રાજ્યમાં માવઠાએ વિનાશ વેર્યો છે. માવઠાને કારણે અનેક વિસ્તારોમાં ભારે નુકસાન પહોંચ્યું છે. છોટા ઉદેપુરમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદને કારણે ખેડૂતો ચિંતિત થયાં છે. માવઠાને કારણે ખેડૂતોના પાકને મોટુ નુકસાન પહોંચ્યું છે. ડાંગર, તુવેર, મકાઈ અને કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત સમગ્ર જિલ્લામાં પણ ખેડૂતો સરકાર પાસે રાહત સહાય માગી રહ્યાં છે.
ડાંગર જેવા ખેતીના પાકોને પણ નુકસાન થયું
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ઓરસંગ નદીના સામેના કિનારાના વિસ્તારમાં આવેલા ગામો કાવીઠા,ચંદાનગર, ગામડી,લોટિયા માં તુવેર,મકાઈની ખેતી મોટા પ્રમાણમાં થાય છે.આ વિસ્તારના ખેડૂતો મોટાભાગે રવિ ખેતી જ કરે છે.તેમાં તુવેર અને મકાઈનું વાવેતર કરવામાં આવતું હોય છે.મોટાભાગના ખેતરોમાં તુવેર અને મકાઈની વાવણી થઈ ચૂકી હતી. ક્યાંક ક્યાંક તો મકાઈ અને તુવેરના છોડ પણ બહાર આવી ગયા હતા.આવા પાકને ભારે વરસાદ વરસ્યો તેને કારણે ખેતરમાં પાણી ભરાઈ જતાં નુકસાન થયું છે. બીજી તરફ કાળી તલાવડી પંથકની અંદર ડાંગર જેવા ખેતીના પાકોને પણ નુકસાન થયું છે.









