નસવાડીમાં 20 હજાર હેક્ટર કરતા વધુ વિસ્તારમાં પાકને નુકસાન થયું છે અને સરવે કરી નુકસાની મુદ્દે સહાય કરવા ખેડૂતોની માગ છે, નસવાડી તાલુકાના રતનપુરા ગામે કમોસમી વરસાદમાં થયેલ કપાસ નુકશાનનુ સરવે ન કરાતા ખેડૂતોમાં રોષ ઉઠ્યો છે, ડાંગર સોયાબીન અન્ય પાકનું સરવે કરાતું હોય અને કપાસનું સરવે ન કરાતા ખેડૂતો કપાસના ખેતરો અને કપાસના છોડ બતાવી સરવેની માગ કરી રહ્યાં છે.
કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે
છોટાઉદેપુર, કવાંટ, નસવાડી, પાવીજેતપુર, બોડેલી અને સંખેડા સહિત જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઝરમરથી લઈને ધોધમાર વરસાદ વરસ્યો છે. આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, પરંતુ ખેડૂતોના સપના ધોવાઈ ગયા છે. ખેડૂતોએ ઊંચા ભાવે ખાતર અને બિયારણ ખરીદીને સારા પાકની આશા રાખી હતી અને પાક પણ સારો થયો હતો, પરંતુ કમોસમી વરસાદે તેમની મહેનત પર પાણી ફેરવી દીધું છે.
ડાંગરનો પાક તૈયાર થઈ ગયો પણ કમોસમી વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો
જિલ્લાના પાવીજેતપુર અને તેની આસપાસના વિસ્તારો સીથોલ, સિહોદ, લોઢણ,રાસલી, પાલિયા વગેરેમાં ડાંગરના પાકને સૌથી વધુ ફટકો પડ્યો છે. ખેતરોમાં કાપેલી ડાંગરો વરસાદના પાણીથી પલળી જતાં તેની ગુણવત્તા બગડી ગઈ છે. તૈયાર પાકને થયેલા આ નુકસાનથી ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. કેટલાક ખેડૂતો પાસે એક માત્ર ખેતર છે અને તેમાં ડાંગરનો પાક કર્યો હતો. પાકા ટાયર થઈ ગયા બાદ કમોસમી વરસાદ પડતા ડાંગરનો પાક બર્બર થઈ જતા ખેડૂતના માથે આભ તૂટી પડ્યું છે.









