છોટા ઉદેપુરમાં બે બ્રિજની હાલત ખૂબ જ ખસ્તા જોવા મળી રહી છે. ઓરસંગ બ્રિજ અને મેરિયા બ્રિજ જીલ્લાની ધોરી નસ સમાન કહેવાય છે. છતાં પણ લાંબા સમયથી આ બ્રિજ બિસ્માર હોવાને લઈને લોકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. વડોદરામાં પાદરા દુર્ઘટના બાદ આખરે તંત્ર જાગ્યું અને રાજ્યભરમાં બ્રિજના નિરીક્ષણની કામગીરી હાથ ધરાઈ. જેમાં છોટા ઉદેપુર જીલ્લાના બોડેલીના ઓરસંગ બ્રિજ અને જબુગામનો મેરિયા બ્રિજ જર્જરિત હોવાનું સામે આવ્યા બાદ ભારે વાહનો બંધ કરાયા.
મેરિયા બ્રિજ પર ભારે વાહનો માટે પ્રતિબંધ
બોડેલીના ઓરસંગ બ્રિજ અને જબુગામનો મેરિયા બ્રિજનું ટેસ્ટિંગ કરવાનું હોવાથી 9 ઓગસ્ટ સુધી ભારદારી વાહનો બંધ કરવાનું જાહેરનામું સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યું. છોટાઉદેપુરથી નીકળતા ભારદારી વાહનોને પાનવડથી મોડાસર ચોકડી થઇને ભાટપુર હાંડોદ ડાયવર્ટ કરાયા અને વડોદરા તરફથી આવતા વાહનોને ગોલગામડીથી સંખેડા,ભાટપુર, મોડાસર થઈને પાનવડ અને છોટા ઉદેપુર ડાયવર્ટ કરાયા. જો કે બંને બ્રિજ બંધ કરાતા તંત્રની બેદરકારીના કારણે જનતાને પરેશાની ભોગવવાનો વારો આવ્યો.
મેરિયા બ્રિજ બંધ કરાતા ખેડૂતોને હાલાકી
જબુગામ પાસે મેરિયા નદી પરનો પુલ ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવતા શિહોદથી જબુગામ પંથકના ખેડૂતોને પોતાનો મહામૂલો કેળાંનો પાક, શાકભાજી વેચવા માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે .ત્યારે આ ખેડૂતો ભારદારી વાહનો બંધ કર્યા સારું કર્યું પરંતુ ખેડૂતોને લગતા હલકા વાહનો પુલ પરથી પસાર કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જો કે રાજ્યમાં બ્રિજને લઈને પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખતા સુરક્ષાકારણોસર ખેડૂતોની માગ નામંજૂર થઈ શકે.









