સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીમાં આગામી સમયમાં જિલ્લા પંચાયત, નગરપાલિકા અને ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે આ ચૂંટણી માટે ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવ્યા છે. જેમાં ભાજપના તમામ સભ્યોના ફોર્મ મંજૂર કરવામાં આવ્યા હતાં. જ્યારે અન્ય પક્ષો અને અપક્ષોના ફોર્મ રદ કરી દેવાતા મામલો બિચક્યો હતો. ફોર્મ રદ થવાને કારણે ઉમેદવારો અને તેમના સમર્થકોમાં ભારે રોષ ફેલાયો હતો.
ભાજપના તમામ ઉમેદવારોના ફોર્મ મંજૂર કરાયા
માત્ર ભાજપના જ ઉમેદવારોના ફોર્મ મંજૂર થતાં રાજકારણ ગરમાયું હતું. ફોર્મ રદ થવાને કારણે અન્ય પાર્ટીના સભ્યો અને લોકોએ હોબાળો મચાવ્યો હતો. કલેક્ટર કચેરીમાં લોકો મોટી સંખ્યામાં પહોંચ્યા હતાં. જ્યાં સુત્રોચ્ચાર કરીને લોકોએ વિરોધ નોંધાવ્યો હતો. કલેક્ટર કચેરીમાં એકઠા થયેલા લોકોએ તંત્ર અને સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતાં. હાલમાં સંઘ પ્રદેશના રાજકારણમાં ગરમાવો પ્રસરી જવા પામ્યો છે.









