દેવભૂમી દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકામાં કોલસાના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. ધરમપુર GIDCમાં સિદ્ધનાથ ઈન્ડસ્ટ્રીઝમાં એલસીબીએ દરોડો પાડ્યો હતો. અહીં હલકી ગુણવત્તાનો કોલસો ભરીને ભેળસેળ કરવામાં આવતી હતી. એલસીબીએ દરોડા દરમિયાન 37 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. ન્યારા કંપનીમાંથી આ કોલસો સુત્રાપાડા લઈ જવામાં આવતો હતો. પોલીસે કોલસાનુ સેમ્પલ એફએસએલમાં મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
કોલસાના કારોબાર પર પોલીસે દરોડા પાડ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા પંથકમાં કાળા કોલસાના કારોબાર પર પોલીસે દરોડા પાડ્યા હતાં. ધરમપુર GIDC ખાતે આવેલ સિધ્ધનાથ ઇન્ડસ્ટ્રીઝમાં શંકાસ્પદ કોલસા ભેળસેળનો કારોબાર ચાલતો હતો. ન્યારા કંપનીમાંથી કિંમતી કોલસો ભરીને સુત્રાપાડાની એક કંપનીમાં જવા નીકળેલો ટ્રક સીધો સિદ્ધનાથ ઈન્ડસ્ટ્રીઝમાં પહોંચ્યો હતો. ઊંચી ગુણવત્તાનો કોલસો કાઢીને હલકી ગુણવત્તાના કોલસાની ભેળસેળ કરીને આ કોલસો ભરવામાં આવતો હોવાની ચોક્કસ બાતમીને આધારે પોલીસે રેડ પાડી હતી.LCB પોલીસે શંકાને આધારે 37 લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો છે. આગામી દિવસોમાં કાળા કોલસાનું મસ મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા સેવાઇ રહી છે.









