ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે.જે અંતર્ગત આજે ગાંધીનગર ખાતે ભારતીય જનતા પાર્ટીની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં મુખ્યમંત્રી,પ્રદેશ સંગઠનના હોદ્દેદારો અને ભાજપના ધારાસભ્યો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠક મુખ્યત્વે રાજ્યસભાની ચૂંટણીની રણનીતિ અને ઉમેદવારોના સંકલન માટે બોલાવવામાં આવી હતી.
ફોર્મ ભરવાની તૈયારીઓને આખરી ઓપ
આ મહત્વની બેઠક દરમિયાન ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા રાજ્યસભાના ચારેય ઉમેદવારોનો વિશેષ પરિચય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ બેઠકમાં ઉપસ્થિત તમામ ધારાસભ્યો અને પક્ષના વરિષ્ઠ નેતાઓ સમક્ષ ચારેય ઉમેદવારોનો પરિચય કરાવવામાં આવ્યો હતો અને ચૂંટણી પ્રક્રિયા અંગે વિગતવાર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.ભાજપે આ વખતે વિવિધ સમીકરણોને ધ્યાનમાં રાખીને પોતાના ચાર સક્ષમ ચહેરાઓને મેદાનમાં ઉતાર્યા છે.પરિચય બેઠક પૂર્ણ થયા બાદ હવે ભાજપ દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે.આ ચારેય ઉમેદવારો આવતીકાલે સોમવારે ગાંધીનગર ખાતે આવેલી ગુજરાત વિધાનસભામાં સત્તાવાર રીતે પોતાના રાજ્યસભા ચૂંટણીના ઉમેદવારી પત્રો રજૂ કરશે.









