ગાંધીનગરમાં નવરાત્રિની ખાસ ઉજવણી થઈ. નવરાત્રિમાં આઠમનું ખાસ મહત્વ હોય છે. આઠમા નોરતે ગાંધીનગરના કેસરિયા ગરબામાં દિવ્ય મહાઆરતી યોજાઇ. આ આરતીમાં હજારો દીવડાઓ થકી ભારતીય સૈન્યના અદમ્ય સાહસ અને શૌર્ય ‘ઓપરેશન સિંદૂર‘ને બિરદાવતી અલૌકિક આકૃતિનું નિર્માણ કરાયું.
કેસરિયા ગરબામાં અદ્ભૂત મહાઆરતી
આઠમા નોરતે કેસરિયા ગરબા ગાંધીનગરના આંગણે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)ના ચેરમેન શ્રી જયભાઈ શાહ અને રાજ્ય સરકારના કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. હજારો દીવડાઓથી નિર્મિત આકૃતિનું દૃશ્ય સ્ક્રીન ઉપર દર્શાવાતા જ કેસરિયા ગરબા પરિસરમાં ઉપસ્થિત વિશાળ જનસાગરે આ અદભૂત અને અલૌકિક ક્ષણને વધાવી.
સહાય ફાઉન્ડેશન કરે છે ગરબાનું આયોજન
ગાંધીનગર ઉત્તર વિધાનસભાના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ પ્રેરિત સહાય ફાઉન્ડેશન આયોજિત કેસરિયા ગરબામાં દર વર્ષની જેમ આઠમા નોરતે દિવ્ય મહાઆરતી યોજાઇ હતી જેમાં હજારો દીવડાઓ થકી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની પ્રબળ ઈચ્છાશક્તિ તેમજ નિર્ણાયક નેતૃત્વ હેઠળ થયેલ ભારતીય સૈન્યના અદમ્ય સાહસ અને શૌર્ય ‘ઓપરેશન સિંદૂર‘ ને બિરદાવતી અલૌકિક આકૃતિનું નિર્માણ કરાયું હતું.
કેસરિયા ગરબામાં અદભૂત અને અલૌકિક ક્ષણ
આ દૃશ્ય સ્ક્રીન ઉપર દર્શાવાતા જ કેસરિયા ગરબા પરિસરમાં ઉપસ્થિત વિશાળ જનસાગરે આ અદભૂત અને અલૌકિક ક્ષણને વધાવી હતી. વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ માઈભક્તો અપાર શ્રદ્ધા અને ભક્તિના ભાવ સાથે માં અંબાની મહાઆરતીમાં સમ્મિલિત થયા હતાં. ગોલ્ડન ચીયર્સ ઓર્કેસ્ટ્રા દ્વારા મંત્રમુગ્ધ કરતી માં અંબાની આરતીની પ્રસ્તુતિ કરાઈ હતી. આ તકે સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું હતું. મહાઆરતી બાદ ઓપરેશન સિંદૂર ઉપર રચાયેલા ગરબો વગાડવામાં આવ્યો હતો જેની ધુન પર ખેલૈયાઓ ગરબે ઘુમ્યા હતાં. આજની મહાઆરતીને ગ્લોબલ એક્સેલન્સ બુક ઓફ રેકોર્ડસમાં સ્થાન અપાયું હતું









