આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં રાજ્યમાં સહકારી બેંકોનો વ્યાપ વધારવા અંગે પણ ચર્ચાઓ કરાઈ હતી. આ બેઠક બાદ રાજય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, રાજ્યમાં ગ્રામીણ સહકારી બેંકોનો વ્યાપ વધારવામાં આવશે. નાબાર્ડ તરફથી રાજ્યમાં સહકારી બેંકોનો વ્યાપ વધારાશે. ગુજરાતમાં નવી 9 જિલ્લા સહકારી બેંકો શરૂ કરાશે.
આ જિલ્લામાં નવી સહકારી બેંક બનશે
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું હતું કે, ગુજરાતમાં નવી જિલ્લા સહકારી બેંક બનાવવા માટે સરકારની સૈદ્ધાંતિક મંજૂરી છે. રાજ્યમાં વધુ નવ સહકારી બેંક બનશે. તેમણે કહ્યું હતું કે, પંચમહાલ બેંકના વિભાજનથી દાહોદ, સાબરકાંઠા બેંકના વિભાજનથી અરવલ્લી, સુરત બેંકના વિભાજનથી તાપી, વડોદરા બેંકના વિભાજનથી છોટા ઉદેપુર, જામનગર બેંકના વિભાજનથી દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ બેંકના વિભાજનથી પોરબંદર, ખેડા બેંકના વિભાજનથી આણંદ અને વલસાડ બેંકના વિભાજનથી ડાંગ અને નવસારી જિલ્લા માટે નવી જિલ્લા સહકારી બેંક બનશે.









