GP-SMASH પ્રોજેક્ટને પરિણામે રાજ્યના નાગરિકો હવે પોલીસ માત્ર એક સિંગલ ક્લિક દૂર હોવાથી ગુજરાત પોલીસ સતત પોતાની સાથે હોવાનો સુરક્ષિત અહેસાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પરના પ્રશ્નો હવે માત્ર 'ટ્રેન્ડ' નહીં રહી, તાત્કાલિક જવાબદારો સામે પગલા લેવાય છે. પરિણામે, નાગરિકોની પોલીસ પ્રત્યેની વિશ્વસનીયતા અને સુરક્ષાની અનુભૂતિમાં નોંધપાત્ર વધારો થયો છે. GP-SMASH એ માત્ર ડિજિટલ મોનિટરીંગ પૂરતું નહીં, પણ એક જવાબદાર અને ટેકનોલોજીથી સંલગ્ન પોલીસ વ્યવસ્થા તરફ એક મજબૂત પગલું છે.
અનેક એવા કેસ સફળતા પૂર્વક ઉકેલી નાંખવામાં આવ્યા
આ અંગે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કહ્યું હતું કે, GP-SMASH પ્રોજેક્ટથી અનેક એવા કેસ સફળતા પૂર્વક ઉકેલી નાંખવામાં આવ્યા છે. GP-SMASH પ્રોજેક્ટની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લઈને આજસુધીમાં આ ટીમે 850થી વધુ નાગરિકોની રજૂઆતોને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી તેમના પ્રશ્નો ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં આવ્યા છે, જે જનસંવાદ માટે એક મોટી સફળતા છે.GP-SMASH એ માત્ર ડિજિટલ મોનિટરીંગ પૂરતું નહીં, પણ એક જવાબદાર અને ટેકનોલોજીથી સંલગ્ન પોલીસ વ્યવસ્થા તરફ એક મજબૂત પગલું છે.
GP-SMASH કેવી રીતે કાર્ય કરે છે?
GP-SMASH સોશિયલ મીડિયા અવેરનેસ તેમજ મોનિટરીંગ પ્રોજેક્ટ છે, જેમાં સ્ટેટ લેવલથી એક ડેડિકેટેડ ટીમ ૨૪*૭ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ થતી પોલીસ વિભાગને સ્પર્શતી અને ગુના સંબંધિત પ્રવૃત્તિઓ, ફરિયાદો કે સારા કાર્યને રિયલ ટાઈમ વોચ કરે છે. આ ટીમ ગુજરાત પોલીસના X હેન્ડલ ટેગ કરીને કરવામાં આવેલી પોસ્ટને ગણતરીની મિનિટોમાં રિસ્પોન્સ આપે છે. ત્યાર બાદ લૉ એન્ડ ઓર્ડર, ટ્રાફિક સમસ્યા, પ્રોહીબિશન, સાયબર ફ્રોડ, સરકારી અધિકારી કર્મચારી દ્વારા લાંચ માંગણી કે દુર્વ્યવહાર જેવા વિવિધ પ્રશ્નો સંદર્ભે તાત્કાલિક સંબંધિત રેન્જ, જિલ્લા કે એકમના વડાને તે જ પોસ્ટ ઉપરથી જરૂરી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે. આ પોસ્ટ અંગે શું કાર્યવાહી કરી તે અંગે પણ સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડા તેમની ટીમને ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપશે અને સમય મર્યાદામાં તેમણે કરેલી કામગીરી કે લીધેલા એક્શન તે જ પોસ્ટ પર કોમેન્ટ કરી અપડેટ કરે છે.રાજ્ય સ્તરની ટીમ ઉપરાંત રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડા એમ ત્રણ લેવલથી આ બાબતનું સતત મોનિટરિંગ કરી પોલીસે કરેલી કામગીરીને ટ્રેક કરવામાં આવે છે.









