ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી દ્વારા પંદરમી ગુજરાત વિધાનસભાનું આઠમું સત્ર તા.૧૬મી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ મળવા માટે આહવાન કરવામાં આવ્યું છે. આ સત્રની રૂપરેખા અને કામકાજ અંગેની મહત્વની વિગતો વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી દ્વારા જાહેર કરવામાં આવી છે.
સત્રનુ મુખ્ય કામકાજ
સત્રના પ્રથમ દિવસે ૧૬મી ફેબ્રુઆરીએ રાજ્યપાલ ગૃહને સંબોધિત કરશે.નાણામંત્રી દ્વારા તા.૧૭મી ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવશે.અંદાજપત્રની સાથે વર્ષ ૨૦૧૧-૧૨, ૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬ અને ૨૦૧૮-૧૯ ના વધારાના ખર્ચના પત્રકો તેમજ વર્ષ ૨૦૨૫-૨૬ ના પૂરક પત્રકો પણ રજૂ કરવામાં આવશે.આ સત્ર તા.૧૬/૦૨/૨૦૨૬ થી તા.૨૫/૦૩/૨૦૨૬ સુધી કામકાજના કુલ ૨૩ દિવસ ચાલશે.જેમાં કુલ ૨૬ બેઠકો યોજાશે. રાજ્યપાલના સંબોધન પર ચર્ચા માટે ૩ બેઠકો યોજાશે.સરકારી કામકાજ અને વિધેયકો માટે ૪ બેઠકો યોજાશે.નાણાકીય કામકાજ માટે કુલ ૧૮ બેઠકો રહેશે જેમાં અંદાજપત્ર પર સામાન્ય ચર્ચા માટે 4 બેઠકો,વિભાગવાર માંગણીઓ ઉપર ચર્ચા અને મતદાન માટે ૧૨ બેઠકો અને પૂરક માંગણી પર ચર્ચા અને મતદાન માટે ૨ બેઠકો રહેશે.૬ બેઠકમાં બિનસરકારી કામકાજ નિયમો મુજબ હાથ ધરવામાં આવશે.
સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોનું કામકાજ
આ સત્ર દરમિયાન તારાંકિત પ્રશ્નોનું કામકાજ હાથ ધરવામાં આવશે. જેના માટે અધ્યક્ષ દ્વારા મંત્રીઓના પાંચ જૂથોની રચના કરવામાં આવી છે અને તારાંકિત પ્રશ્નોની સૂચના માટે વિગતવાર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.સભ્યોની સુવિધા માટે પ્રશ્નોની સૂચના ઓનલાઈન અથવા ઓફલાઈન એમ બંને માધ્યમથી આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે.સત્રની શરૂઆત પહેલા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પ્રમુખપદે કામકાજ સલાહકાર સમિતિની બેઠક યોજવામાં આવશે. જેમાં સત્ર દરમિયાન હાથ ધરવાના કામકાજની વિગતવાર ચર્ચા કરી તેની ભલામણો અનુસાર સભાગૃહમાં કામકાજ હાથ ધરવામાં આવશે.









