ગુજરાતમાં ચોમાસાની સિઝનનો સારો વરસાદ રહ્યો. ચોમાસાની સિઝન પૂર્ણ થવા આવી છતાં રાજ્યભરમાં ઠેર-ઠેર વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાકમાં વરસાદે રમઝટ બોલાવી. રાજ્યના 123 તાલુકામાં વરસાદ વરસતા લોકોની મુશ્કેલીઓ વધી. અત્યારે તહેવારોની સિઝન છે. નવરાત્રિ બાદ લોકો દીવાળી તહેવારની તૈયારીઓમાં લાગ્યા છે. ત્યાં વરસાદની રમઝટના કારણે લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.
રાજ્યમાં વરસાદનું ભારે જોર
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનું ભારે જોર જોવા મળ્યું. સૌથી વધુ જૂનાગઢના વંથલીમાં 3.43 ઇંચ વરસાદ ખાબક્યો. જ્યારે ચોટીલામાં 3.11 ઇંચ, મેંદરડામાં 2.24 ઇંચ, જૂનાગઢમાં 2.13 ઇંચ, મોરબીમાં 1.89 ઇંચ, કેશોદમાં 1.77 ઇંચ, દ્વારકામાં 1.73 ઇંચ, અંજારમાં 1.57 ઇંચ, ગોંડલમાં 1.57 ઇંચ, જામજોધપુરમાં 1.5 ઇંચ, માળિયાહાટીનામાં 1.5 ઇંચ વરસાદ પડયો.
આગામી દિવસોમાં ચોમાસુ વિદાય લેશે
ગુજરાત પર આ સિસ્ટમના કારણે વેલ માર્ક લો પ્રેસર સર્જાતા ભારે વરસાદની સ્થિતિ છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 24 કલાકની અંદર રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે. જયારે 10 ઓકટોબર સુધીમાં વરસાદી સિસ્ટમ સંપૂર્ણ રીતે દૂર થતા ચોમાસુ વિદાય લેશે અને શિયાળો પ્રવેશ કરશે. ઓકોટબર મધ્યમાં ગુલાબી ઠંડીનો ચમકારો જોવા મળી શકે.









