સાબરકાંઠાના હિંમતનગરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, રાયગઢ, રાજેન્દ્રનગર, બીલપણકંપા, રૂપાલ, રામપુર, ભાવપુર, અડપોદરામાં વરસાદ વરસી રહ્યો છે, તો નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે, સ્થાનિકોને પણ ઘરની બહાર નીકળવું મુશ્કેલ થયું છે.
પોશીનામાં અઢી ઇંચ વરસાદ થતા સેઇ નદીમાં પહેલી વાર ઘોડાપૂર આવ્યું
પોશીના વિસ્તારમાં છેલ્લા ત્રણ કલાકમાં અઢી ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. રાજસ્થાનના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે પોશીનાની સેઇ નદીમાં પહેલી વાર ઘોડાપૂર આવ્યું છે. સેઇ નદીના કાંઠા પર વસેલા ગામોમાં પાણીના વધતા પ્રવાહથી લોકો ચિંતિત બન્યા છે. ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોના પાકને નુકસાન થવાની પૂરી શક્યતા છે. હાલ પણ વરસાદ ચાલુ છે અને પરિસ્થિતિ વધુ વિકટ બની શકે છે. તંત્ર દ્વારા ચેતવણી આપવામાં આવી છે અને નદીકાંઠા પર વસતા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.









