સાબરકાંઠામાં સાબરડેરીમાં ભાવ ફેર મુદ્દે પશુપાલકોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. હજારોની સંખ્યામાં ઉમટેલા ખેડૂતો અને પશુપાલકોએ હંગામો મચાવ્યો હતો. પશુપાલકોએ હિંમતનગર તલોદ વચ્ચેનો મુખ્યમાર્ગ બંધ કર્યો હતો. રોડ પર બેસીને ખેડૂતોએ ચક્કાજામ કર્યો હતો. પશુપાલકોએ ડેરી સામે 25 ટકા સુધીનો ભાવફેર ચૂકવવા માગ કરી છે. ખેડૂતોના ટોળા ઉમટતા પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ વિરોધમાં જોડાયા હતાં.
ભાવ ફેરને લઈને પશુપાલકોનું આંદોલન ઉગ્ર બન્યું
સાબર ડેરી બહાર ખેડૂતો અને પશુપાલકોએ હોબાળો મચાવ્યો હતો. હજારોની સંખ્યામાં પહોંચેલા ટોળાને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. ખેડૂતોએ ડેરીનો ગેટ તોડીને અંદર જવાનો પ્રયાસ કર્યો હતો. ડેરીના ગેટની બહાર મુકાયેલા સીસીટીવી કેમેરા તોડી નંખ્યા હતાં. ટોળાને વિખેરવા માટે પોલીસે 20થી વધુ ટીયર ગેસના શેલ છોડ્યા હતાં. ભાવ ફેરને લઈને પશુપાલકોનું આંદોલન ઉગ્ર બન્યું છે. પશુપાલકોએ પોલીસ સામે પથ્થરમારો કર્યો હતો. જેમાં ત્રણેક લોકોને ઈજા પહોંચી હતી. ગુસ્સે ભરાયેલા પશુપાલકોએ ડેરીની દિવાલની ગ્રીલ તોડી નાંખી હતી. હાલ સવાલ એ થઈ રહ્યો છે કે, શું પશુપાલકો ભાવ ફેર અંગે જવાબ ના માંગી શકે? શું પશુ પાલકો પોતાની રજૂઆત ના કરી શકે? જનતાએ પથ્થરમારો કર્યો અને પોલીસે ટીયર ગેસના શેલ છોડ્યા હતાં.









