જામનગર સહીત રાજ્યભરમાં મકરસંક્રાંતિને હવે માત્ર ગણતરીની કલાકો બાકી છે. ત્યારે જામનગરમાં જાહેરમાં પતંગ ફીરકીના સ્ટોલો ઉભા કરનાર આસામીઓ સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. જામનગર મહાનગર પાલિકાની કોઈપણ પ્રકારની મંજૂરી વગર રસ્તા પર દબાણ કરીને સ્ટોલો ઊભા કરવામાં આવતા હોવાથી ટ્રાફિકમાં અવરોધ સ્ટોલ સામે કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના રણજીસાગર રોડ સહિતના વિસ્તારોમાં જાહેર માર્ગ પર ઉભા કરાયેલા કેટલાક દુકાનો અને મંડપો દૂર કરવામાં આવ્યા છે તેમજ ફરી સ્થળ પર દબાણ ન કરવા સૂચના આપવામાં આવી છે.
જાહેર માર્ગ ઉપર એકપણ સ્ટોલ માટે મંજૂરી નહીં
આ બાબતે પાલિકા દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મકરસંક્રાંતિના સમયમાં સ્ટોલોની સંખ્યા વધતી હોવા છતાં શહેરમાં જાહેર માર્ગ ઉપર એકપણ સ્ટોલ માટે મંજૂરી આપવામાં આવી નથી. ટ્રાફિકને અડચણરૂપ બને તેવા કોઈપણ દબાણને દૂર કરવા માટે દિવસ અને રાત્રે સતત કામગીરી ચાલુ રહેશે. જામ્યુકો દ્વારા વેપારીઓ અને નાગરિકોને અપીલ કરી છે કે જાહેર માર્ગો પર અનધિકૃત રીતે સ્ટોલો ન લગાવે અને ટ્રાફિક તથા જાહેર વ્યવસ્થામાં સહકાર આપે, નહીં તો નિયમ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવશે.









