જૂનાગઢ જિલ્લામાં છેલ્લા 12 કલાક દરમિયાન મેઘરાજાએ અનરાધાર બેટિંગ કરતા જનજીવન પ્રભાવિત થયું છે. કેશોદ અને માંગરોળ તાલુકામાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે. બંને તાલુકાોમાં સાડા નવ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જૂનાગઢ શહેરના દોલતપરા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. ભારે વરસાદને પગલે સોંદરડા ડેમ પણ ઓવરફ્લો થયો છે. આ વાવણી લાયક વરસાદથી ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. માંગરોળ પંથકમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની છે.
NDRFની ટીમ સ્ટેન્ડબાય
ભારે વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.કેશોદ પ્રાંત અધિકારી અને મામલતદાર સહિતના સ્ટાફે અસરગ્રસ્ત વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ કરી સ્થિતિનો તાગ મેળવ્યો છે. બચાવ કામગીરી માટે વડોદરાથી એનડીઆરએફ (NDRF)ની એક ટુકડીને કેશોદ ખાતે સ્ટેન્ડબાય રાખવામાં આવી છે, જે સતત મોનિટરિંગ કરી રહી છે. વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી વરસાદનું જોર ન ઘટે ત્યાં સુધી બીનજરૂરી ઘરની બહાર ન નીકળવું. તંત્ર દ્વારા કોઈપણ આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા માટે રાહત અને બચાવ દળને સજ્જ રાખવામાં આવ્યું છે.જ્યાં સવારથી ભારે વરસાદને કારણે નોળી નદીમાં ઘોડાપૂર આવ્યું છે.આ પૂરના કારણે અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે અને વલ્લભગઢ નજીકનો મુખ્ય રસ્તો બંધ થઈ જતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.









