જૂનાગઢમાં વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. વરસાદી આફત અને બિસ્માર રસ્તા અને જર્જરીત બિલ્ડીંગના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે. વંથલીમાં સરકારી શાળાના બાળકો જ સુવિધાથી વંચિત છે. બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરતા હોવાનું સામે આવ્યું. નગરપાલિકા તંત્રની અને શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી સામે આવતા લોકોમાં તંત્રની કામગીરીને લઈને રોષ જોવા મળ્યો.


[[$googlead]]

હાઈસ્કૂલનું બિલ્ડીંગ જર્જરીત સ્થિતિમાં

66 વર્ષ જૂની વંથલી નગરપાલિકા સંચાલિત હાઈસ્કૂલનું બિલ્ડીંગ અતિશય જર્જરીત સ્થિતિમાં છે. આ શાળામાં 300થી વધુ બાળકો ભયના ઓથાર હેઠળ અભ્યાસ કરી રહ્યા છે. મોતના માચડા સમાન બિલ્ડિંગમાં ગમે ત્યારે કોઈ દુર્ઘટના બને તો કોઈ નવાઈ નહીં. અત્યારે ચોમાસાની સીઝન પૂરજોશમાં ચાલી રહી છે અને ભારે વરસાદમાં જો રોડનું ધોવાણ થઈ જાય તો આવી જર્જરીત શાળામાં દુર્ઘટનાની શક્યતાઓ વધી જાય છે. શાળાની છતના ઉપરથી પોપડા પડી ગયા છે અને સ્લેબમાં નાખેલા લોખંડના તાર સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. ત્યારે અત્યંત જર્ચરિત આ બિલ્ડીંગ ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે.

[[$alsoread]]

દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર 

વંથલી નગરપાલિકા હસ્તકની આ સ્કૂલમાં વકીલ અને સીટી સર્વે મારફત દસ્તાવેજ પ્રક્રિયા થઈ રહી છે આ બાબતે ડેપ્યુટી કલેક્ટર માંથી હુકુમ આવ્યા બાદ કેસ આગળ ધપાવામાં આવશે ત્યારબાદ રેકોર્ડ તૈયાર થશે અને હાઈસ્કૂલ ના ઉપરના માળનું નવીનીકરણ અને સમારકામ કરવામાં આવશે. ત્યારે સવાલ થાય કે ગુજરાત સરકારે શિક્ષણ માટે કરોડો રૂપિયા ફાળવ્યા છતાં નગરપાલિકા સંચાલિત સ્કૂલની આવી હાલત કેમ ? આ શાળામાં દુર્ઘટના સર્જાય તો કોણ જવાબદાર છે તે પ્રશ્ન હજુ યથાવત છે.

  • Follow us on: