ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે બ્રહ્મ શક્તિ સેના ગુજરાત દ્વારા એક અનોખી ક્રિકેટ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ટી-શર્ટ અને ટ્રેકપેન્ટમાં રમાતી ક્રિકેટ અહીં તદ્દન અલગ અંદાજમાં જોવા મળી હતી. ગુજરાતભરમાંથી આવેલા બ્રાહ્મણોએ પોતાના પરંપરાગત પહેરવેશ ધોતી અને કુર્તામાં સજ્જ થઈને બેટ અને બોલ સાથે મેદાન ગજવ્યું હતું.
પરંપરાગત રીતે મેચનો પ્રારંભ
આ ટુર્નામેન્ટ માત્ર રમત નહીં પણ સંસ્કૃતિનું પ્રદર્શન બની રહી હતી. મેચની શરૂઆત પહેલાં તમામ ભૂદેવોએ ભગવાન પરશુરામની પૂજા-અર્ચના કરી હતી.કપાળમાં ત્રિપુંડ લગાવી અને દીપ પ્રાગટ્ય કરી આધ્યાત્મિક વાતાવરણમાં ખેલની શરૂઆત થઈ હતી.હાથમાં ભગવાન પરશુરામની ફરસી ધારણ કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ શ્લોકોચ્ચાર સાથે આયોજનને ભવ્ય બનાવવામાં આવ્યું હતું.
સંસ્કૃતમાં કોમેન્ટ્રી અને લક્ષ્મીનું સન્માન
આ મેચની સૌથી મોટી વિશેષતા તેની કોમેન્ટ્રી હતી, જે હિન્દી કે અંગ્રેજીને બદલે શુદ્ધ સંસ્કૃત ભાષામાં આપવામાં આવી હતી. આ ઉપરાંત, સનાતન પરંપરાને જાળવી રાખવા માટે ટોસની પ્રક્રિયામાં સિક્કાને પગ ન લાગે અને 'લક્ષ્મી'નું અપમાન ન થાય તે રીતે સન્માનપૂર્વક હાથ ધરીને ટોસ ઉછાળવામાં આવ્યો હતો.
સમાજ અને રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ
બ્રહ્મ શક્તિ સેનાના આ આયોજન પાછળ મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતના બ્રાહ્મણોને એકત્રિત કરવાનો અને વેદ, સંસ્કાર તથા સંસ્કૃતિનું જતન કરવાનો છે. આ પ્રસંગે 'સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ'નો સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ આયોજન દ્વારા સમાજના આર્થિક રીતે નબળા ભૂદેવોને મદદ મળે તેવો વિચાર રજૂ કરાયો હતો. બ્રહ્મ સમાજની બહેનો આત્મનિર્ભર બને તે માટે આગામી સમયમાં વિશેષ કેમ્પ યોજવાની જાહેરાત કરાઈ હતી.
આ પણ વાંચો: એરપોર્ટ પર પરથી બેંગકોક જતા બે મુસાફરો પાસેથી 43 લાખની વિદેશી ચલણી નોટો ઝડપાઈ









