ગુજરાતમાં ઠંડીનો માહોલ જામવા લાગ્યો છે. રાજ્યમાં કાતિલ ઠંડી પગપેસારો કરી રહી છે. રાજ્યના 18 જિલ્લાઓમાં આજે તાપમાન 20 ડિગ્રીથી નીચું નોંધાયું છે. જયારે નલિયામાં સૌથી ઓછું 12.4 ડિગ્રી તાપમાન નોંધાયા ઠંડુગાર થયું. આગામી દિવસોમાં પવનની દિશા બદલાશે તો હજી વધુ ઠંડી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડી વધતા લોકો ફિટ રહેવા ચાલવા અને સાઇકલિંગ કરવા જેવી કસરત કરવા લાગ્યા છે.
રાજ્યમાં કાતિલ ઠંડીનો પગપેસારો
કચ્છ જિલ્લામાં લોકો હાડ થીજવતી કાતિલ ઠંડીનો સામનો કરી રહયા છે. કચ્છના કોલ્ડસીટી ગણાતા નલિયામાં 10 ડીગ્રી જેટલું તાપમાન નોંધાઈ રહ્યું છે. ઠંડીથી બચવા માટે લોકો તાપણું અને ગરમ કપડાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. કચ્છના નલિયા અને પાટનગર ગણાતા ભુજ શહેરમાં ઠંડીનો પારો ગગડતા ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. હજુ પણ આગામી દિવસોમાં ઠંડીનું જોર વધે તે પ્રકારની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ઠંડી વધતા બગીચાઓમાં લોકો કસરત કરવામાં વ્યસ્ત બન્યા છે.
કાતિલ ઠંડી વધતા બદલાયો શાળાનો સમય
રાજ્યમાં કાતિલ ઠંડી શરૂ થતા જ લોકોની દિનચર્યા બદલાઈ છે. રાજ્યની અનેક શાળાઓએ તેમના સમયમાં ફેરફાર કર્યો છે. ઠંડીનું પ્રમાણ વધતા ખાસ કરીને સવારની શાળાઓ 30 મિનિટ વધુ મોડે શરૂ થશે. રાજ્યની મોટાભાગની શૈક્ષણિક સંસ્થાઓેએ ઠંડીના કારણે શાળાના સમયમાં બદલાવ કર્યો છે. સવારના 7ના સ્થાને 7.30 અથવા 8.00 વાગ્યે શાળા શરૂ કરાશે. કાતિલ ઠંડીમાં બાળકો શરદી, ખાંસી જેવી સમસ્યાનો શિકાર ના થાય માટે શાળા દ્વારા આ પગલા લેવાયા છે.









