ઉત્તર ગુજરાતમાં મહેસાણા જિલ્લાનો ઊંઝા તાલુકો જીરાના ઉત્પાદન માટે સૌથી વધુ જાણીતો છે. ઊંઝા માર્કેટ યાર્ડ સમગ્ર દેશમાં નહીં પણ એશિયામાં સૌથી મોટું મસાલા પાક માટેનું માર્કેટ હોવાનું માનવામાં આવે છે. ત્યારે આ વખતે ઊંઝામાં મસાલા પાકોના ઉત્પાદનમાં મોટો ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે FISSની મીટિંગમાં મસાલા પાકોના ઉત્પાદન અંગેના ચોંકાવનારા આંકાડા સામે આવ્યા છે.
ઊંઝામાં આ વખતે મસાલા પાકોના ઉત્પાદનમાં ઘટાડો
ઊંઝામાં ગઈ કાલે મળેલી FISSની મીટિંગમાં મસાલા પાકોના ઉત્પાદન અંગેના ચોંકાવનારા આંકાડા જાહેર થયાં છે. આ વખતે જીરું અને વરિયાળીના ઉત્પાદનમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.જ્યારે ધાણાના ઉત્પાદનમાં પણ 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. આ બેઠકમાં દેશમાંથી 10 રાજ્યોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતાં.ગયા વર્ષની સરખામણીએ તમામ મુખ્ય પાકોના ઉત્પાદનમાં ઘટાડો નોંધાયો છે. FISSના ચેરમેન તેજસ ગાંધીએ કહ્યું હતું કે, આ બેઠકમાં મસાલા પાકોના ઉત્પાદન અને ટેકનોલોજીને લઈને મહત્વની ચર્ચાઓ કરવામાં આવી હતી. દાંતીવાડા એગ્રિકલ્ચરલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દ્વારા એક્સપર્ટ ટ્રેડર્સના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલા સર્વેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા હતાં. જીરુંની વાત કરીએ તો તેનું ઉત્પાદન આશરે 93 લાખ બોરી રહેવાનો અંદાજ છે જે ગયા વર્ષ કરતાં પાંચ ટકા ઓછી હોવાનું જાણવા મળ્યું હતું. વરિયાળીના ઉત્પાદનમાં 10 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ધાણામાં 13 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે મેથીમાં 11 ટકાનો ઘટાડો નોંધાયો છે.









