મોરબીના જેતપર ખાતે વીજપોલના યોગ્ય વળતર મેળવવા માટે ખેડૂતો દ્વારા ચલાવવામાં આવી રહેલી લડાઈને હવે વ્યાપક જનસમર્થન સાંપડી રહ્યું છે. આ લડતના ભાગરૂપે યોજાયેલી સત્યાગ્રહ છાવણીમાં હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામના 100થી વધુ ખેડૂતોએ રૂબરૂ પહોંચીને પોતાનું પૂર્ણ સમર્થન જાહેર કર્યું છે. સત્યાગ્રહ છાવણીમાં ઉપસ્થિત ખેડૂતોએ રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, ખેતરોમાં વીજપોલ ઊભા કરી દેવાને કારણે તેમની કિંમતી જમીનની કિંમતમાં મોટો ઘટાડો થાય છે.
સત્યાગ્રહને આગામી દિવસોમાં વધુ તીવ્ર બનશે
ખેતરમાંથી પસાર થતી હાઈટેન્શન વીજલાઈનો અને વીજપોલના કારણે ખેતીકામ દરમિયાન વીજ કરંટનું સતત જોખમ તોળાતું રહે છે.તંત્ર અને સંબંધિત કંપનીઓ દ્વારા ખેડૂતોની જમીનનો ઉપયોગ કરવા છતાં યોગ્ય અને વ્યાજબી વળતર આપવામાં આવતું નથી. જેતપર ખાતે ચાલી રહેલા આ આંદોલનને માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ સમગ્ર રાજ્યભરના ખેડૂતો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સમર્થન આપી રહ્યા છે. ખેડૂતોએ ચીમકી આપી છે કે જો તેમની વળતર અંગેની ન્યાયી માંગણીઓ વહેલી તકે સંતોષવામાં નહીં આવે, તો આ સત્યાગ્રહને આગામી દિવસોમાં વધુ તીવ્ર બનાવવામાં આવશે.









