રાજકોટમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. વરસાદી આફત સામે લડતા રાજકોટવાસીઓ માર્ગો પર રખડતા પશુને લઈને પણ હેરાન પરેશાન છે. રાજકોટ - અમદાવાદ હાઇવે પર પશુઓ અંડિગો જમાવીને બેઠા છે. ત્યારે એકબાજુ રસ્તા પરના ખાડા અને બીજી બાજુ રખડતા પશુઓના કારણે અકસ્માતનું મોટું જોખમ રહે છે. આ દ્રશ્યો જોઈ જાણે હાઈવે પર રખડતુ મોત ભમતું હોય તેવું લાગે છે. વાહનચાલકો જીવના જોખમે આ હાઈવે પરથી પસાર થાય છે.
રખડતા પશુનો હાઈવે પર વધ્યો ત્રાસ
શહેરી વિસ્તારમાંથી રખડતા પશુનો ત્રાસ દૂર કરવા તંત્ર દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે. શહેરી વિસ્તારમાં રખડતા પશુઓને ઢોરવાડામાં લઈ જવામાં આવે છે. કેટલાક સંજોગોમાં પશુના માલિકને દંડ ફટકારવામાં આવે છે. જો કે હાઈવે પર છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુનો ત્રાસ વધ્યો છે. હાઈવેની આસપાસના ગ્રામીણ વિસ્તારમાં રહેતા પશુપાલકો ઢોર છોડી દેતા હોવાના કારણે પશુઓ રસ્તા પર અંડિગો જમાવવા લાગ્યા. આ હાઈવેથી પસાર થતી વખતે પશુઓ અચાનક વાહન સામે આવતા અકસ્માતનો ભય સર્જાય છે. શહેરી વિસ્તારમાં રખડતા પશુઓનો ત્રાસ દૂર થયો પણ હાઇવે ઉપર રખડતા પશુઓ બેફામ બન્યા.
વાહનચાલકોને અકસ્માતનો ભય
ધોધમાર વરસાદના કારણે નદી અને ડેમમાં પાણીની આવક વધી છે. જ્યારે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદી પાણી ભરાતા રસ્તાઓમાં ખાડા અને ગાબડા પડી ગયા. વરસાદના કારણે જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર સહિત હાઈવે પરના માર્ગો પણ ખરાબ સ્થિતિમાં છે. રાજ્યમાં અકસ્માત જેવી દુર્ઘટના નિવારવા રખડતા પશુઓને પકડવામાં આવી રહ્યા છે. છતાં રાજકોટ-અમદાવાદ હાઈવે પર વાહનોના બદલે પશુઓ ફરતા જોવા મળે છે. હાઈવે પર રખડતા પશુના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે.









