રાજકોટમાં જેતપુરમાં આવેલ ખોડલધામ મંદિર ગુજરાતભરમાં પ્રખ્યાત છે. વિક્રમ સવંત 2082નું નવું વર્ષ શરૂ થયું છે ત્યારે સમસ્ત લેઉઆ પટેલ સમાજના આસ્થાનું પ્રતિક એવા શ્રી ખોડલધામ ખાતે માતાજીને ચરણોમાં શીશ નમાવવા માટે લાખો માઇ ભક્તો ઉમટી પડ્યા હતાં. ખોડલધામ ટ્રસ્ટ દ્વારા પણ મંદિર પરિસરને રોશનીઓનો વિશેષ શણગાર, અન્નપૂર્ણલાય, પ્રસાદથી લઈ પાર્કિંગ સુધી ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી.
ખોડલધામ મંદિરે યાત્રાળુઓની ભીડ
ખોડલધામ મંદિરે દિવસે દિવસે યાત્રાળુઓની ભીડ વધતી જ જાય છે. મંદિરમાં જ્યારથી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી સૌરાષ્ટ્રમાં એક વધુ યાત્રાધામ અને અહીં શક્તિવન બન્યું ત્યારથી પર્યટન સ્થળ તરીકે ખોડલધામનો વિકાસ થતો જાય છે. જ્યાં રાષ્ટ્રધ્વજ અને ધર્મનો ધ્વજ બંને એકસાથે ફરકે છે એવા સમગ્ર ભારતનું એકમાત્ર સ્થળ એટલે જગવિખ્યાત ખોડલધામ. દિવાળીના તહેવારમાં આ મંદિરમાં કીડીયારું ઉભરાય તે રીતે ભાવિકો ઉમટી પડ્યા હતા. ખોડલધામનો યાત્રાધામ અને પર્યટન સ્થળ બંને તરીકે સુભગ સમન્વય થાય છે.
ખોડલધામ મંદિરને દિવાળી તહેવારને લઈને અદ્ભૂત શણગાર કરાયો
ભાવિકોનીમાં ખોડલ પ્રત્યે અપાર શ્રધ્ધાને નજરે રાખી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા નુતનવર્ષ નિમિતે મંદિરના મુખ્ય દરવાજાથી લઈ મંદિર સુધી લાઈટોથી સુશોભન કરવામાં આવ્યું છે મુખ્ય દરવાજે અને મંદિરના ચોકમાં બહેનો દ્વારા વિશાળ રંગોળીઓ બનાવવામાં આવી છે. 500થી વધુ સ્વયમ સેવકોની ટીમ દર્શને આવતા લાખો યાત્રાળુઓની વ્યવસ્થા માટે સેવા બજાવી રહ્યા છે જેમાં પાર્કિંગથી લઈ મંદિર સુધી યાત્રાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે ચાર વિશાળ પાર્કિંગ, મંદિર, કેન્ટીન, અન્નપૂર્ણલાય, પ્રસાદ, ચા ઘર, શક્તિવન વગેરેએ સ્વયમ સેવકો વ્યવસ્થા કરી રહ્યા છે.









