સુરત શહેરમાં ખાડી પૂરના કારણે સર્જાયેલી વિનાશક સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાનીમાં એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. વરસાદ રોકાયાના બે દિવસ બાદ પણ શહેરમાંથી પાણી કેમ નથી ઓસર્યા,તે મુદ્દે મુખ્યમંત્રી અધિકારીઓ પર અત્યંત ગુસ્સે થયા હતા અને તેમનો જોરદાર ઉધડો લીધો હતો.સીએમ ભૂપેન્દ્ર પટેલે તંત્રની નબળી પ્રિ-મોન્સૂન કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર એજન્સીઓ સામે તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહીના આદેશ આપ્યા છે.છેલ્લા 24 કલાકમાં શહેરમાં 15 લોકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે.જ્યારે 3 દિવસમાં 26 લોકોના મોત થયાં છે.
સુરત શહેરમાં ભારે વરસાદને કારણે હાલ બેહાલ થયાં
સુરત શહેરમાં ભારે વરસાદને કારણે હાલ બેહાલ થયાં છે. બીજી તરફ ખાડી પૂરને કારણે શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયાં છે. શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં ડૂબી જવાથી 13 લોકોના મોત થયાં હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. જ્યારે એક યુવાનનું કરંટ લાગતાં મોત થયું છે. એક યુવક ત્રીજા માળેથી પડી જવાને કારણે મોતને ભેટ્યો છે. આકાશી આફતે તબાહી મચાવતા શહેરમાં 24 કલાકમાં 15 પરિવારોના માળા વિખેરાયા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત સહિત નવસારી અને વલસાડની મુલાકાતે ગયા હતાં. જ્યાં તેમણે સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓનો ઉધડો લીધો હતો અને કામગીરી માટે આદેશો આપ્યા હતાં.









