સુરતમાં ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. જૂન મહિનામાં ચોમાસાની સિઝનના આરંભે વરસાદે શહેરમાં ધબડાટી બોલાવી હતી. અને થોડા દિવસ વિરામ લીધા બાદ આજે શહેરમાં ફરી વેહલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. સવારથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે સીટી લાઈટ, અલથાણ ,વેસુ , પીપલોદ, ખજોદ આભવાગામ સહિત વિસ્તારોમાં વરસાદ ખાબકતા વિસ્તારો જળબંબાકાર થયા.
વરસાદનું પુનઃઆગમન
સુરતમાં આજે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લેતા વાતાવરણમાં ગરમીનો પારો પણ વધ્યો હતો. વરસાદી વાદળા ઘેરાતા વાતાવરણમાં બફારો વધતા લોકો ત્રાહિમામ થયા હતા. આજે એકાએક મેઘરાજાનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને લોકોને ગરમીથી રાહત મળી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 27 જુલાઈ સુધી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ખાડી પુર મામલે તંત્રનું કડક વલણ
શહેરમાં સિઝનના આરંભે વરસાદે તબાહી મચાવતા અનેક વિસ્તારોમાં રોડ તૂટવા અને ગાબડા પડવાની સમસ્યા થઈ હતી. ખાડીપૂર મામલે સ્થાનિકો અને વિપક્ષની વારંવાર રજૂઆત કરવામાં આવી. અને આખરે આ મામલામાં કેન્દ્રની ટકોર બાદ તંત્ર દ્વારા ખાડીપૂરને નડતરરૂપ બાંધકામોને લઇ ડિમોલિશનની કામગીરી કરવામાં આવી. ખાડીપૂર મામલે હવે તંત્રએ કડક વલણ અપનાવતા જો લોકો અવરોધ રુપ બનશે તો તેમની સામે પોલીસ ફરિયાદ સુધીની કાર્યવાહી કરવામાં આવશે.









