ગુજરાતમાં ઉત્તરાયણની ઉજવણી દરેક જગ્યાએ ખૂબજ ઉત્સાહ પૂર્વક થઈ છે. ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પરિવાર સાથે ઉત્તરાયણની ઉજવણી કરી છે. તેમણે પુત્રી માટે જાતે પતંગની કિન્ના બાંધી હતી. તેમણે પીપલોદ ગોવર્ધન હવેલી ખાતે ગાય માતાની પૂજા કરી હતી. તેમણે હવેલી ખાતે પૂજા પાઠ પણ કર્યા હતાં.
આજે અનેક પતંગો કપાયા છે અને ડ્રગ્સનો પતંગ પણ કપાશે
ઉત્તરાયણને લઈને તેમણે કહ્યું હતું કે, આજે પવન સારો છે અને આકાશ આખું રંગબેરંગી દેખાઈ રહ્યું છે. તેવી જ રીતે લોકોના જીવનમાં રંગ ભરાય અને જીવન સુખમય બને તેવી શુભકામનાઓ છે. ઉત્તરાયણનો તહેવાર ખૂબજ ખુશાલીથી મનાવો અનેક પતંગ ચગાવો પણ ધાબા પરથી નીચે ઉતરતાં જે નકામી દોરી પડી હોય તેને સાથે લઈને ઉતરજો જેથી પક્ષીઓનો જીવ જોખમમાં ના મુકાય. તેમણે કહ્યું હતું કે, આજે અનેક પતંગો કપાયા છે અને ડ્રગ્સનો પતંગ પણ કપાશે. ગુજરાત પોલીસે દેશના ખૂણે ખૂણેથી ડ્રગ્સ પકડયું છે. ભલે દોરી ગમે તેવી પાકી હોય પણ માંજો ગુજરાત પોલીસનો મજબૂત રહેશે.









