ગુજરાતમાં વરસાદનું જોર ઘટયું છે. રાજયમાં અનેક જિલ્લાઓમાં હળવો વરસાદ જોવા મળી રહ્યો છે. જ્યારે સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. શહેરમાં આજે ભારે વરસાદના કારણે સોસાયટીઓ અને બજારોમાં પાણી ભરાઈ ગયા છે. તો શહેરની સિવિલ હોસ્પિટલના રોડ પર પાણી ભરાતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોધમાર વરસાદના ખાબકતા ખટોદરા જીઆઈડીસી અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા.
ભારે વરસાદના કારણે ઠેર-ઠેર પાણી ભરાયા
શહેરમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયો. પાર્ક કરેલા વાહનો પાણીમાં ગરકાવ થયા. જ્યારે રસ્તાઓ પર પાણી ભરાતા અને ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વિઝિબિલિટિ ઓછી થતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા. વરસાદી આફતના કારણે રસ્તાઓ પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ છે. રાહદારીઓ ઘૂંટણસમા પાણીમાં ચાલવા મજબૂર બન્યાં છે. આજે સુરતમાં સોશિયલ સર્કલ, પાંડેરસા, ખજોદ, આભવા ગામ અને ડુમસમાં ભારે વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં ચોમાસુ લેશે વિદાય, હવામાન વિભાગ
રાજ્યમાં નવરાત્રિ તહેવારના પડઘમ વાઘી રહ્યા છે. ત્યારે સુરતમાં વરસાદી માહોલના કારણે ખૈલેયાની ચિંતામાં વધારો થયો છે. હવામાન વિભાગે નવરાત્રિમાં પણ વરસાદની આગાહી કરી છે. જ્યારે આગામી 2 દિવસ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદનું જોર જોવા મળશે. રાજ્યમાં ચોમાસાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ વિદાયની ઘડીઓ ગણી રહ્યું છે. અને ગુજરાતમાંથી ચોમાસુ વિદાય લેતા પહેલા સુરત જેવા સ્થાનો પર ધબડાટી બોલાવી રહ્યું છે.









