સુરતમાં એક ફેરિયાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો પાંડેસરા વિસ્તારનો છે. આ વીડિયો જોઈ આ વિસ્તારના રહીશો પણ ગુસ્સે થશે. વીડિયોમાં દેખાય છે કે પાંડેસરામાં શાકભાજીનું વેચાણ કરતો ફેરિયો કેવી રીતે લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યો છે. આ ફેરિયાએ રસ્તા પર ભરાયેલા પાણીમાં શાકભાજી ધોયા. પછી આ શાકભાજીનું વેચાણ કરવામાં આવે છે. ગંદા પાણીમાં શાકભાજી ધોઈ લોકોને વેચનાર શખ્સનો જાગૃત નાગરિકે વીડિયો બનાવ્યો.
ગંદા પાણીમાં શાકભાજી ધોવાનો વિડિયો વાયરલ
અને તેના બાદ આ જાગૃત નાગરીક દ્વારા ફેરિયાના કારસ્તાનનો આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો. પાંડેસરાના આવિર્ભાવ સોસાયટી-2 માં રોડ પર ભરાયેલ વરસાદના ગંદા પાણીમાં શાકભાજી ધોવાનો વિડિયો વાયરલ થયો છે. મોહલ્લામાં આ પ્રકારની શાકભાજી વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાને લઈને રહીશો ફરિયાદ કરે તેવી શકયતા છે. આ વીડિયો સામે આવ્યા બાદ સંભવત આગામી સમયમાં તંત્ર દ્વારા ફેરિયા સામે પગલાં લેવામાં આવી શકે.
લારી પર વેચાણ થતી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે જોખમી
શહેરમાં વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. જૂન મહિનાના અંતમાં શહેરમાં ભારે વરસાદનું જોર જોવા મળ્યું હતું. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. લાંબા સમય સુધી અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો નિકાલ ના થતા રહીશો ત્રસ્ત થઈ તંત્રને ફરિયાદ કરી હતી. આવા ગંદા ભરાયેલા પાણીનો શાકભાજી ધોવા ફેરિયા ઉપયોગ કરે છે. વરસાદમાં આમ પણ બીમારીઓનું જોર રહેતું હોય છે ત્યારે લારી પર વેચાણ થતી વસ્તુઓ સ્વાસ્થ્ય માટે કેટલી જોખમી છે તે આ વીડિયો બતાવે છે.









