ચોમાસુ પુરૂ થયા બાદ ખેડૂતો દ્વારા શિયાળુ પાકનું વાવેતર શરૂ કરવામાં આવ્યું છે. એક તરફ દિવાળીનો તહેવાર શરૂ થઈ રહ્યો છે. બજારમાં ખરીદી માટે લોકોની ભીડ જામી છે. તેવામાં તહેવારના દિવસોમાં જ ખેડૂતોને હેરાન થવાનો વારો આવ્યો છે. બનાસકાંઠાના વિભાજન બાદ નવા બનેલા વાવ થરાદ જિલ્લામાં ખેડૂતોની હાલત કફોડી બની છે. દિવાળીના તહેવારોમાં જ ખેડૂતોને ખાતર માટે લાઈનોમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે.
ખાતર માટે વહેલી સવારથી ખેડૂતોની લાઈનો લાગી
થરાદમા યુરિયા ખાતર માટે વહેલી સવારથી ખેડૂતોની લાઈનો લાગી હતી. દોઢસોથી વધુ ખેડૂતો ખાતર માટે લાઈનમાં ઉભા રહ્યા હતાં. આ દરમિયાન કેટલાક ખેડૂતોને ચક્કાર આવ્યા હોવાની ફરિયાદ પણ થઈ હતી. ખેડૂતોએ આક્ષેપ કર્યો હતો કે, ખાતરની ગાડી પાંચ દિવસે આવતી હોવાથી અમને ખાતર મોડુ મળે છે. પાંચ દિવસની જગ્યાએ વહેલી ગાડી આવે તો અમને ઝડપથી ખાતર મળી શકે છે. અત્યારે શિયાળુ પાક માટે ખાતર જરૂરી છે તેથી વહેલી સવારે 150થી વધુ ખેડૂતો લાઇનમાં ઊભા હતાં.આ લાઈનમાં મહિલાઓ અને વૃદ્ધો પણ ઉભા હતાં.









