SIRની કામગીરી શરૂ થતાની સાથે જ સુરતના ઉન વિસ્તારને અડીને આવેલા 'મિની બાંગ્લાદેશ' તરીકે ઓળખાતા બંગાળી મહોલ્લાના સામે આવેલા દૃશ્યો સુરક્ષા એજન્સીઓ અને સ્થાનિક વહીવટી તંત્રની ઊંઘ ઉડાવી દીધી છે. અહીં રહેતાં 500થી વધુ લોકો રાતોરાત ગાયબ થઈ ગયાં છે અને તેમના મકાનોમાં તાળા દેખાઈ રહ્યા છે, સ્થાનિકો એ પણ કહ્યું હા આ બાંગ્લાદેશી હતા અને તેઓ હવે ગાયબ થઈ ગયા છે.
50 જેટલા મકાનોમાં મસમોટા તાળા
સુરતના ચૂંટણી પંચના આંકડા મુજબ બૂથ નંબર 517 હેઠળ આવતા આ વિસ્તારમાં અગાઉ 950 જેટલા મતદારો નોંધાયેલા હતા. જોકે, જ્યારે BLO દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર SIRની કામગીરી હાથ ધરવામાં આવી, ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી કે તેમાંથી માત્ર 400 મતદારોનું જ મેપિંગ થઈ શક્યું છે. બાકીના 550 મતદારો ક્યાં છે? શું તેઓ રાતોરાત અદ્રશ્ય થયા કે પછી કોઈ મોટા ડરને કારણે ભાગી છૂટ્યા? આ સવાલો હાલ સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યા છે. અંદાજે 100 મકાનમાંથી 50 જેટલા મકાનોમાં મસમોટા તાળા લટકી રહ્યા હતા. આ મામલે જ્યારે અમે સ્થાનિકો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે, તેઓ બાંગ્લાદેશના રહેવાસી હતા અને અહીં ભાડેથી રહેતા હતા.
ઉભા થયા અનેક સવાલો?
આશ્ચર્યની વાત એ છે કે, SIRની કામગીરી શરૂ થતા જ આ મકાનોમાં રહેતા લોકો પોતાનો સામાન સંકેલીને ફરાર થઈ ગયા. સ્થાનિક કોર્પોરેટર સોમનાથ મરાઠેએ જણાવ્યું કે, બૂથ નંબર 517માં આવતા બંગાળી મહોલ્લામાં 950 મતદારો હતા, જેમાંથી હવે માત્ર 400 જ મળી રહ્યા છે. તપાસ શરૂ થઈ ત્યારથી જ લોકો મકાનોને તાળા મારી વતન ભાગી ગયા હોવાનું જાણવા મળ્યું છે. એક જ વિસ્તારમાંથી એક સાથે 550 મતદારો ગુમ થતા પોલીસ અને તપાસ એજન્સીઓ હવે એ દિશામાં તપાસ કરી રહી છે. આ સાથે જ 550 લોકોએ કયા આધારે ચૂંટણીકાર્ડ મેળવ્યા હતા? તેમને ડોક્યુમેન્ટ્સ બનાવી આપવામાં કોણે મદદ કરી? શું આ લોકો પાસે ભારતીય નાગરિકતાના અન્ય પુરાવા (આધાર કાર્ડ, પાન કાર્ડ) પણ હતા? વિદેશી ઘૂસણખોરો હતા કે નહીં? તે સવાલો પણ ઊભા થયા છે.









