માઉન્ટ આબુમાં છેલ્લા 30 કલાકમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. ત્યાં ફસાયેલા પર્યટકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે આબુના રસ્તાઓ ખરાબ થઈ ગયાં છે. આબુના નાયબ જિલ્લા કલેક્ટરે ઈમર્જન્સી બેઠક બોલાવી હતી ત્યાર બાદ તેમણે ત્રણ દિવસ સુધી પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકી દીધો હતો. આબુમાં રસ્તાઓ ખરાબ થઈ જવાને કારણે ભારે વાહનોની અવર જવર પર પણ પ્રતિબંધ ફરમાવી દેવાયો હતો. નાયબ કલેક્ટરે સમગ્ર સ્થિતિની સમીક્ષા કરી હતી. તેમણે તાત્કાલિક રસ્તાઓ રીપેર કરવા સૂચના આપી હતી.
ધૂમ વિસ્તારમાં રોડનો ભાગ તૂટી ગયો હતો
માઉન્ટ આબુમાં મુશળધાર વરસાદને કારણે ધૂમ વિસ્તારમાં રોડનો ભાગ તૂટી ગયો હતો. પાણીના ફોર્સને કારણે રોડ તૂટ્યો હતો. જેથી આ રોડ પર તંત્ર દ્વારા વાહનવ્યવહાર બંધ કરી દેવાયો હતો. બીજી તરફ ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે આબુમાં રોડ અને રસ્તા તૂટી ગયા હતાં. રસ્તા તૂટી જવાથી વાહન વ્યવહારને અસર પહોંચી હતી. સમગ્ર સ્થિતિ અંગે આબુના નાયબ કલેક્ટરે એક ઈમર્જન્સી મીટિંગ બોલાવી હતી. જેમાં તેમણે પ્રવાસીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને રોડ રસ્તાના તાત્કાલિક રીપેરિંગ માટે તંત્રના અધિકારીઓને આદેશ કર્યો હતો. ત્રણ દિવસ સુધી રસ્તાનું રિપેરિંગ ચાલશે. ત્યાં સુધી પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો છે.









