જામનગરમાં નવા બ્રિજના લોકાર્પણને લઈ વિવાદ સર્જાયો છે. બ્રિજ તૈયાર હોવા છતાં ખુલ્લો ન મુકાતા વિવાદ સર્જાયો છે. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ પાસે બનેલા નવા ઓવરબ્રિજના લોકાર્પણના વિલંબ વચ્ચે વિપક્ષે જાતે જ ઉદ્ઘાટન કરી દીધું છે. જામનગર શહેરના હાપા માર્કેટિંગ યાર્ડ પાસે નિર્માણ થયેલો ઓવરબ્રિજ છેલ્લા એક માસથી વધુ સમયથી સંપૂર્ણ તૈયાર હોવા છતાં પણ તંત્ર દ્વારા તેનું સત્તાવાર લોકાર્પણ કરવામાં આવતું નથી.
રોજિંદા વાહનવ્યવહાર માટે આ પુલ અત્યંત મહત્વનો
જેના કારણે સ્થાનિક લોકોમાં આક્રોશની લાગણી વ્યાપી રહી છે. કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ આજે આ મુદ્દે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. વિપક્ષ દ્વારા આજે આ ઓવરબ્રિજ પર પહોંચીને લોકાપર્ણ કરવામાં આવ્યું અને બ્રિજ જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. વિપક્ષના સભ્યોનું કહેવું છે કે પુલ તૈયાર થયા બાદ પણ લાંબા સમય સુધી લોકાર્પણ વિલંબિત રાખવું જનતાની સાથે અન્યાય સમાન છે. અગાઉ પણ તંત્રને રજૂઆત કરવામાં આવી છે કે રોજિંદા વાહનવ્યવહાર માટે આ પુલ અત્યંત મહત્વનો છે છતાં વિલંબને કારણે લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે, ત્યારે 'ભારત માતા કી જય'ના નારા લગાવી લોકાર્પણ કર્યું છે. પોલીસે આ લોકાર્પણ અટકાવ્યું છે.









