જૂનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગડુ ગામમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી એક ઘટના સામે આવી છે. શાંતિનગર વિસ્તારમાં તસ્કરોએ ભારે આતંક મચાવી, એક વૃદ્ધને નિશાન બનાવી લાખોની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા છે. જેમાં 7 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ગડુના ખેરા ગામ રોડ ઉપર આવેલા શાંતિનગર વિસ્તારમાં રહેતા સિનિયર સિટીઝન સતીશગીરી ગોસ્વામી જ્યારે ઘરમાં નિદ્રાધીન હતા, ત્યારે 4 શખ્સોએ મકાનની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો.
લૂંટ ચલાવ્યા બાદ તમામ શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા
ગ્રીલ તૂટવાનો અવાજ આવતા સતીશગીરી જાગી ગયા હતા, પરંતુ કંઈ પણ પ્રતિકાર કરે તે પહેલા જ ત્રણ તસ્કરોએ તેમને દબોચી લીધા હતા. લૂંટારુઓએ વૃદ્ધને બેફામ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપીને સોના-ચાંદીના દાગીના ક્યાં છે તેની પૃચ્છા કરી હતી અને લૂંટ ચલાવી હતી. તસ્કરોએ ઘરમાંથી અંદાજે 10 તોલા સોનાના દાગીના કિંમત રૂપિયા 8.06 લાખ અને મિલકતના અગત્યના દસ્તાવેજો લૂંટી લીધા હતા. લૂંટ ચલાવ્યા બાદ તમામ શખ્સો અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. આ ફરિયાદ નોંધવામાં આવતાં પોલીસે ચક્રો ગતિમાન કર્યાં અને ચાર શખ્સોને ઝડપી લીધા છે.









