જુનાગઢમાં વરસાદે ધમાકેદાર બેટિંગ કરી છે અને તેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવવાની સમસ્યા સામે આવી છે. જુનાગઢમાં ઘુડવડરથી રાયપુરનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે. વરસાદી પાણી ભરાવવાના કારણે રસ્તો બંધ કરવામાં આવ્યો છે. ડેમનું પાણી રસ્તાઓ પર ફરી વળતા લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ સાથે જ મેંદરડામાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. માત્ર 4 કલાકમાં 10 ઈંચ વરસાદથી મેંદરડાના હાલ બેહાલ થઈ ગયા છે. મેંદરડાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદે વિનાશ વેર્યો છે.
જુનાગઢનો ઘેડ પંથક જળબંબાકાર
બીજી તરફ જુનાગઢનો ઘેડ પંથક પણ જળબંબાકાર થયો છે. જિલ્લાના તમામ નદી નાળા અને ડેમ ઓવરફ્લો થયા છે. અનેક ગામો પાણી ભરાઈ જવાના કારણે સંપર્ક વિહોણા બન્યા છે. મઢડા, મૂળિયાસા, જોનપુર, બામણાસા ગામ સંપર્ક વિહોણા બન્યા છે. ત્યારે જૂનાગઢના બાંટવામાં પણ ભારે વરસાદ ખાબક્યો છે અને તેના કારણે મુખ્ય બજારમાં દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે. વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની શક્યતા છે.









