જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. ત્યારે શહેરના મધુરમ વિસ્તારના સુદામાપાર્ક વિસ્તારમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. આ વિસ્તારમાં આવેલા એક ધાર્મિક સ્થળનું ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટે તંત્ર દ્વારા ડિમોલિશન કામગીરી હાથ ધરવામાં આવી છે. આ બાંધકામ સરકારી જમીન પર આશરે 190 ચોરસ મીટરના વિસ્તારમાં કરવામાં આવ્યું હતું.
190 ચોરસ મીટરમાં કરાયું હતું ગેરકાયદે બાંધકામ
તંત્ર દ્વારા કરવામાં આવેલી ડિમોલિશનની આ કામગીરી ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે ગેરકાયદે બાંધકામ તોડી પાડ્યા બાદ જે જમીન ખુલ્લી કરવામાં આવી છે, તેની બજાર કિંમત લગભગ 40 લાખ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે. જાહેર કે સરકારી જમીન પર થતા દબાણોને દૂર કરીને તંત્ર દ્વારા કરોડો રૂપિયાની જમીન પરત મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ લોકહિતના કાર્યો માટે થઈ શકે છે. આ કાર્યવાહી દ્વારા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ગેરકાયદેસર બાંધકામને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં. જાહેર માર્ગ કે સરકારી જમીન પર થતા ધાર્મિક કે અન્ય કોઈપણ પ્રકારના ગેરકાયદેસર દબાણને હટાવવાના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું હતું.









