જુનાગઢમાં સંદેશ ન્યુઝના અહેવાલની અસર જોવા મળી છે. માણાવદરના પાદરડી ગામમાં લોકો દોરડા પર લટકીને નદી પસાર કરતા હતા, જેને લઈને સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારતિ કર્યો હતો. જેની અસર જોવા મળી છે. માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આ અંગે ખુલાસો કરતા કહ્યું કે લોકો જીવના જોખમે પુલ પસાર કરતા હતા, ત્યારે કોઈ મોટી જાનહાનિ ના થાય અને લોકોને મુશ્કેલી ના પડે તે માટે રૂપિયા 71 લાખના ખર્ચે નવો પૂલ બનાવવામાં આવશે.
દોરડા પર લટકીને લોકો થતા હતા પસાર
વધુમાં માણાવદરના ધારાસભ્યએ કહ્યું કે ઘેડ વિકાસ યોજના હેઠળ પુલ આવરી લેવામાં આવશે. 1,500 કરોડની યોજના હેઠળનો આ પ્રોજેક્ટ છે. જેમાં અન્ય ચાર ગામના પુલનો પણ આ યોજનામાં સમાવેશ કરવામાં આવ્યો છે. દિવાળી પછી પુલનું કામ શરૂ કરવામાં આવશે. પુલ બન્યા બાદ 300થી વધુ ખેડૂતોને ફાયદો થશે. તમને જણાવી દઈએ કે ઓજત નદી પર આવતા ગામડાઓની હાલતની ખૂબ જ દયનીય છે. માણાવદર તાલુકાના પાદરડી ગામે પસાર થતી ઓઝત નદી ઉપરનો પુલ ત્રણ વર્ષ પહેલા તૂટી જવાથી લોકોને વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફથી બીજી તરફ જવા માટે લોકોને નદી પસાર કરવા દોરડા અને ટાયરની મદદ લેવી પડે છે. બાળકોને અભ્યાસ કરવા જવા માટે પણ આ જ પરિસ્થિતિમાંથી પસાર થવું પડે છે.









