મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે કેશોદનો યુવાન અરવિંદ દુબઈમાં સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે. તાજેતરમાં થયેલા હુમલાની ઘટના બાદ પરિવારજનો ચિંતિત બન્યા હતા, પરંતુ અરવિંદે પરિવાર સાથે ફોન પર વાત કરી તેમને આશ્વાસન આપ્યું છે. અરવિંદના પરિવારે જણાવ્યું કે હુમલો રહેણાંક વિસ્તારથી ઘણો દૂર થયો હતો અને તે હાલ સંપૂર્ણપણે સુરક્ષિત છે. પરિવારના જણાવ્યા મુજબ અરવિંદ દુબઈના સોનાપુર મેંગો માર્કેટ પાસે રહે છે અને ત્યાં પરિસ્થિતિ સામાન્ય છે.
હાલમાં દુબઈમાં પરિસ્થિતિ સામાન્ય
રોજિંદી જીવન વ્યવસ્થા યથાવત ચાલી રહી છે અને સ્થાનિક સ્તરે કોઈ અફરાતફરી નથી. પરિવારે વધુમાં જણાવ્યું કે સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓને કારણે તેઓ વધુ ચિંતિત બન્યા હતા, પરંતુ અરવિંદ સાથે સીધી વાતચીત થયા બાદ તેમને રાહત અનુભવી છે. હાલ દુબઈમાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત બનાવવામાં આવી છે અને ભારતીય સમુદાય પણ સાવચેત છે. કેશોદ તેમજ આસપાસના વિસ્તારોમાં રહેતા પરિવારજનો અને સગાસંબંધીઓએ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે ગુજરાતીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માગ કરી છે. તેઓએ જરૂર પડે તો દૂતાવાસ સ્તરે સંપર્ક મજબૂત કરવા પણ અપીલ કરી છે.









