ખેડાના મહુધામાં જીવતા જીવ તો સુખ નહી પરંતુ મૃત્યુ બાદ પણ સુખેથી અંતિમ સંસ્કાર નસીબમાં નથી. મહુધાના મંગળપુરમાં કેડસમા પાણીમાંથી સ્મશાન યાત્રા કાઢવી પડી છે. ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ માટે સંદેશ ન્યુઝ મહુધાના મંગળપુરા ગામે પહોંચ્યુ હતું. ગ્રામજનો અને પરિવારજનો સાથે સંદેશ ન્યુઝે ખાસ વાતચીત કરી અને સંદેશ ન્યુઝ સમક્ષ પરિવાર અને ગ્રામજનોએ પોતાની વ્યથા વર્ણવી છે. તેમણે કહ્યું અનેક રજુઆતો કરી પણ આજદિન સુધી રોડ બન્યો નથી અને પાણી ભરાવવાની સમસ્યા પણ હલ થઈ નથી.
મંગળપુરનો બીડ વિસ્તાર આજે પણ વિકાસથી વંચિત
ગ્રામજનોએ કહ્યું કે દર ચોમાસામાં અમારે કેડસમા પાણીમાંથી અવરજવર કરવા મજબૂર થવુ પડે છે, કેડસમા પાણી ભરાઈ જવાથી બાળકો સ્કૂલે પણ જઈ શકતા નથી. બિમાર વ્યક્તિઓ માટે ડોક્ટર કે નર્સ પણ આવી શકતા નથી અને 108 એમ્બ્યુલન્સ પણ પહોંચી શકતી નથી. મંગળપુરનો આ બીડ વિસ્તાર છે, જ્યાં વરસાદી પાણી ભરાયા છે. મહુધાના મંગલપુરમાં બે દિવસના ભારે વરસાદ બાદ પણ પાણીનો નિકાલ થયો નથી. આઝાદી કાળ બાદ આજે પણ તંત્ર કે નેતાઓ દ્વારા દરકાર લેવામાં આવી નથી. બીડ વિસ્તારના લોકો સ્મશાન સુધી પહોંચવા કેડ સમા પાણીમાં ડહોળતા ડહોળતા જવા મજબૂર બન્યા છે. મંગળપુરનો બીડ વિસ્તાર આજે પણ વિકાસથી વંચિત જોવા મળી રહ્યો છે.









