દાહોદના વતની, રાજકોટમાં ત્રણ વર્ષથી પરિવાર સાથે રહેતા આધેડ રવિવારે સવારે તેની પત્ની અને 8 વર્ષની પુત્રી નવી બની રહેલી સાઈટ પર કડિયાકામની મજૂરીએ ગયા હતા. બપોરે દંપતી અને તેની પુત્રીએ સાથે ભોજન લીધું હતું. ત્યારબાદ દંપતી કડિયાકામ કરવા લાગ્યું હતું અને તેની પુત્રી ઓરડી નજીક રમતી હતી, થોડીવાર બાદ બાળકી નજરે નહીં ચડતાં દંપતી અને સાઈટના કોન્ટ્રાક્ટરે શોધખોળ શરૂ કરી હતી. તે વખતે જ કોન્ટ્રાક્ટરનો ભત્રીજો ત્યાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે સાઇટ પર અગાઉ કામ કરતો નાગેશ્વર પાછળના પચ્ચીસ વારિયામાં રહેતો ભરત મગન મકવાણા એક બાળકીને લઈને જતો દેખાયો હતો.
બાળકીને વેફર અપાવવાની લાલચે લઇ ગયો
ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમ સ્થળ પર દોડી ગઇ હતી, પીઆઇ એચ.એન.પટેલે ટેકનિકલ સોર્સ માધયમથી તેનું લોકેશન મેળવી આરોપી કોઠારિયા નજીકના રસૂલપરા વિસ્તારમાં હોવાની માહિતી મળતાં જ પોલીસની ટીમ ત્યાં દોડી ગઇ હતી અને ભરતને ઝડપી લઇ બાળકીને મુક્ત કરાવી હતી. બાળકીએ પોલીસ સમક્ષ કહ્યું હતું કે, પોતે રમતી હતી ત્યારે ભરત ત્યાં આવ્યો હતો અને વેફર અપાવવાનું કહી લઇ ગયો હતો.









