ભાવનગરના મહુવામાં ગઈકાલે ઢળતી સાંજે તાલુકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે યાર્ડમાં મોટા પ્રમાણમાં જણસી પલળી ગઈ છે, જેના કારણે મોટું નુકસાન પહોંચ્યું છે. વરસાદે માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત મગફળી વેચવા માટે લાવ્યા હતા. તે મગફળી વરસાદી પાણીમાં ભીંજાઈ જવા પામી હતી અને સગવડ હોવા છતાં યાર્ડના સત્તાધીશોએ કેમ બેદરકારી દાખવી તે પણ એક સવાલ છે.
5,000થી વધુ ગુણી મગફળી વરસાદમાં પલળી
5000થી પણ વધારે ગુણી મગફળી વરસાદમાં પલળી ગઈ છે, હાલ તો વાતાવરણ ચોખ્ખું થાય અને તડકો આવે પછી મગફળી સુકાઈ ગયા પછી કોઈ અણસાર આવે કે કેટલું નુકસાન થયું છે. હાલમાં ખેડૂતને પડ્યાં પર પાટા જેવી પરિસ્થિતિ થઈ જવા પામી છે, ઉલ્લેખનીય છે કે મહુવા માર્કેટિંગ યાર્ડ રાજ્યનું ત્રીજા અથવા ચોથા નંબરનું છે. અદ્યતન મોટા મોટા પેક કરેલા શેડ બનાવવામાં આવ્યા છે. ત્યારે આટલી મોટી સગવડ હોવા છતાં કેમ ખેડૂત સાથે અન્યાય કરવમાં આવી રહ્યો છે. મગફળી અથવા ડુંગળી જો ખુલ્લામાં જ ઉતરાવે છે જેને કારણે વરસાદ આવતા જ બધું જ પલળી જાય છે અને ખરાબ થઈ જાય છે. ગઈકાલે 20,000થી વધારે ગુણી મગફળીની આવક થઈ હતી, પરંતુ બાકીની મગફળીની કેમ હરાજી ના કરવામાં આવી? હાલ તો જગતના તાતને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. માર્કેટિંગ યાર્ડ જવાબદાર અધિકારી તેમજ સત્તાધીશો ખેડૂતની વેદના સાંભળે તેવું નુકસાન ભોગવતા ખેડૂતો પોતાની વેદના ઠાલવી રહ્યા છે.









